NATIONAL

ડેપ્યુટી CMની સપથ લેતા જ અજિત પવારને મોટી રાહત, રૂ. 1000 કરોડની બેનામી સંપત્તિ કેસમાં ક્લીન ચિટ

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને NCP ના નેતા અજિત પવારને મોટી રાહત મળી છે. પવારને 2021ના બેનામી સંપત્તિ કેસમાં દિલ્હીમાં બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માલિકીના તમામ આરોપોને ફગાવી દીધા છે. જે પછી આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી તેમની તમામ મિલકતોને રિલીઝ કરવામાં આવી છે.
7 ઓક્ટોબર, 2021 ના રોજ આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં કથિત રીતે અજિત પવારની માલિકી હેઠળની બેનામી મિલકતો અંગેના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. જો કે, ટ્રિબ્યુનલે હવે આ દાવાઓને ફગાવી દીધા છે, ટ્રિબ્યુનલે આ અંગે કહ્યું કે, ‘અજિત પવાર સામે આરોપોને સાબિત કરવા માટે આવકવેરા વિભાગ પાસે પૂરતા પુરાવા નથી.’ આ નિર્ણય સાથે, આવકવેરા વિભાગ દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવેલી અજિત પવારની તમામ મિલકતોને મુક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ઓક્ટોબર 2021માં અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ બેનામી પ્રોપર્ટી એક્ટ (PBPP) હેઠળ અજિત પવારની રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અજિત પવાર સાથે સંકળાયેલા લોકોના રહેઠાણો અને ઓફિસો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેમના સંબંધીઓ, બહેનો અને નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે આમાંથી કોઈ પણ મિલકત NCP નેતાના નામે સીધી નોંધાયેલી નહોતી.

અજિત પવારની જપ્ત કરેલી મિલકતોમાં મહારાષ્ટ્રના સતારામાં જરાન્દેશ્વર સુગર ફેક્ટરી, મુંબઈમાં એક સત્તાવાર સંકુલ, દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં એક રિસોર્ટ અને મહારાષ્ટ્રમાં 27 અલગ-અલગ જગ્યાએ જમીનનો સમાવેશ થાય છે. તે જ વર્ષે, આવકવેરા વિભાગે મુંબઈમાં બે રિયલ એસ્ટેટ બિઝનેસ જૂથો અને અજિત પવારના સંબંધીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક સંસ્થાઓ પર દરોડા પાડ્યા બાદ રૂ. 184 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી હતી.

Back to top button
error: Content is protected !!