મિશન સિદ્ધત્વ ૨.૦ અંતર્ગત બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમ શરૂ કરાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા રોજેરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આયોજન. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ-ગ્રામ્ય દ્વારા ‘મિશન સિદ્ધતવ ૨.૦’ અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાનાર ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા શરુ થાય ત્યાં સુધી સતત માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ પરીક્ષાને પર્વ તરીકે ઉજવી શકે એ માટે માર્ગદર્શન પૂરું પાડતો એક ઇનોવેટીવ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ધો. ૧૦ અને ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને દૈનિક ૧૫ મિનીટના વિડીયો જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્યની YouTube ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. તેમાં જે તે ધોરણના મુખ્ય વિષયના વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયત કરવામાં આવેલ બ્લ્યુ પ્રિન્ટને ધ્યાનમાં રાખીને પરીક્ષાની દ્રષ્ટીએ અગત્યના મુદ્દાઓની ચર્ચા દ્વારા અમદાવાદ-ગ્રામ્યના નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વની ગુરુચાવી આપવામાં આવશે.
વધુમાં, વિડીયોના અંતે એક મિનીટ માટે શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોક સાથે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે એક પર્વની જેમ પરીક્ષા ઉજવી શકે તેવી ટીપ્સ પણ સામેલ કરવામાં આવી છે.
‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય શ્રીમતી કૃપાબેન જહા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સદસ્યો સર્વ જે. વી. પટેલ, મનુભાઈ પાવરા, પરસોતમભાઈ સોનારા, વરિષ્ઠ માર્ગદર્શક મનુભાઈ રાવલ તેમજ ગુણવંતભાઈ પટેલ, જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલનના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના શાળા વિકાસ સંકુલના સર્વે કન્વીનરઓ,જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્યના કર્મચારીગણ, વિવિધ શાળાના સંચાલકશ્રીઓ, વિડીયોશ્રેણી તૈયાર કરનાર તજજ્ઞ શિક્ષકો અને લાભાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીલક્ષી આ પ્રયોગને બિરદાવીને સફળતાની શુભકામનાઓ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૪ની બોર્ડની પરીક્ષા દરમિયાન પણ અમદાવાદ-ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૃપાબહેન જહાના માર્ગદર્શન હેઠળ ધો ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોની પરીક્ષાના આગલા દિવસે ‘અમૂલ્ય એક કલાક : તજજ્ઞની ટીપ્સ સાથે’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિડીયો આપવામાં આવ્યો હતો, જેનો ૫૦ હજારથી વધુ વ્યૂઅર્સ દ્વારા લાભ લેવામાં આવ્યો છે તેમજ વિદ્યાર્થીઓને તેમની પરિણામ સુધારણામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો.





