Rajkot: “આવો સૌ સાથે મળી, મેલેરિયા નિર્મૂલન કરીએ”- જૂન માસ “મેલેરિયા વિરોધી માસ”
તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સરકારશ્રી દ્વારા મેલેરિયા નિર્મૂલન જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે
દવા યુક્ત મચ્છરદાનીનો ઉપયોગ, કીટ નાશક દવાઓનો છંટકાવ, સ્વચ્છતા જાળવવા સહિતની બાબતોનું ધ્યાન રાખવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનીયા જેવા વાહકજન્ય રોગ પર નિયંત્રણ લાવવા અને લોકોમાં આ રોગો પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આ વર્ષે જૂન માસ ‘મેલેરીયા વિરોધી માસ’ અને જુલાઈ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ની ઉજવણી કરવામાં આવશે. વિશ્વના ૧૦૬ દેશોમાં દર વર્ષે 3.3 અબજ લોકો મેલેરિયાનો ભોગ બને છે. મેલેરિયાએ વિશ્વની સૌથી ભયંકર બીમારીઓમાંની એક છે.
મલેરિયાનો ફેલાવો માદા એનોફીલીસ મચ્છર દ્વારા થાય છે. મલેરિયામાં તાવ આવવો, માથામાં દુખાવો થવો, ઠંડી લાગવી, ઊબકા ઉલ્ટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મેલેરિયાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયેલ છે. હાલની પરિસ્થિતિ જાળવી રાખીને રાજ્ય સરકારે મેલેરિયા માટે વધુ જોખમી જણાતા વિસ્તારોમાં “મેલેરિયા નિર્મૂલન-૨૦૩૦”નું ધ્યેય નક્કી કરી સઘન પગલાંઓ ભરવાનું આયોજન કર્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો નોંધાય તે અત્યંત જરૂરી છે. જેથી, મચ્છરોની ઉત્પત્તિના સ્થાનોમાં ઘટાડો થાય અને મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે રાજ્ય સરકાર જન ભાગીદારીની મદદથી જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી રહી છે.
જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદીર અને સબંધિત ક્ષેત્રોના ગામોમાં હાઉસ ટુ હાઉસ મેલેરીયા સર્વેલન્સ કામગીરી અન્વયે તાવના દર્દીઓને સ્થળ પર જ લોહીના નમુના લઇ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ગામોમાં નાના ખાડા અને ખાબોચીયા પાણી ભરેલા હોય તે વિસ્તારમાં મચ્છરની ઉત્પત્તિના સ્થાનોમાં દવાના છંટકાવની કામગીરી કરવામાં આવશે. ગામોમાં લોકોના ઘરે ઘરે જઇને વાપરવાના પાણીના ટાંકાઓ ઢાંકીને રાખવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. ઉપરાંત, પાણીમાં એબેટની દવા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગામોના ઘરોના મોટા ટાંકાઓ, મોટા ખાડાઓ અને નદીઓ સહિતની જગ્યાઓ પર મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી રહી છે. આ સાથે દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ, જરૂર જણાય ત્યાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
મેલેરિયા નિર્મૂલન અંગે વધુને વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સ્થાનિક ટી.વી. ચેનલોમાં જાહેરાત, પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા, ગૃપ મીટીંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત, સ્થાનિક વિસ્તારોમાં સમુદાય આધારિત મેલેરિયા નિવારણ અને સારવાર કરવામાં આવી રહી છે. સરકારશ્રી દ્વારા મેલેરિયા અટકાવવા માટે નવા વેક્ટર નિયંત્રણ અભિગમો, ડાયગ્નોસ્ટિક્સ, મલેરિયા વિરોધી દવાઓ અને અન્ય સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જેના લીધે રોગ અટકાયતની કામગીરી વધુ સઘન બનશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંનદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર.આર.ફુલમાલી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કામગીરી અસરકારક રીતે કરાઈ છે. કરી રહ્યા છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.