
દેડીયાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે કૃષિ મેળો અને પાક પરિસંવાદ યોજાયો
તાહિર મેમણ – ડેડીયાપાડા- 10/01/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ટીમ્બાપાડા સ્થિત ઇનરેકા સંસ્થાના પ્રાંગણમાં શુક્રવારે કૃષિ મેળો અને ખેડૂત તાલીમ કેન્દ્ર રાજપીપલા દ્વારા પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન–૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
કૃષિ મેળો અને પાક પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ભારતને વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનાવવાના સંકલ્પમાં ખેડૂતોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું કે, સમાજને શુદ્ધ અને સ્વસ્થ ખોરાક પૂરો પાડવો એ આપણા સૌની સામૂહિક નૈતિક જવાબદારી છે. વૈજ્ઞાનિક, આધુનિક તથા પ્રાકૃતિક ખેતીનું સંયોજન અપનાવવાથી ખેડૂતોની આવક વધશે તેમજ પર્યાવરણનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે તેથી આ કૃષિ પદ્ધતિ અપવાનના ખેડૂતોને તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, દેડીયાપાડાના પ્રાંત અધિકારી જુહી પાંડે, આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.કે. શિનોરા, મદદનીશ ખેતી નિયામક સી.એલ. ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકા વિનોદભાઈ પટેલ, નાયબ પશુપાલન નિયામક ડૉ. આર.એલ. વસાવા, ઈનરેકા સંસ્થાના વડા ડૉ. વિનોદ કૌશિક સહિત અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.




