GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના વિકાસને નવી ગતિ: રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રૂ.૧.૮૦ કરોડના ખર્ચે હાઈ-ટેક સિટી બસ પોર્ટનું નિર્માણ થશે

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની પરિવહન સુવિધાઓમાં વધારો કરવા માટે સતત કાર્યરત છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, મહાનગરપાલિકા દ્વારા નવસારી રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં આશરે ₹૧.૮૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ‘સિટી બસ પોર્ટ’ (ટર્મિનલ) તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના સાકાર થવાથી રેલ્વે સ્ટેશનથી અવરજવર કરતા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે….

આ પ્રસ્તાવિત સિટી બસ પોર્ટની ક્ષમતા અને સુવિધાઓ વિશે વિગતો આપતા તંત્રએ જણાવ્યું હતું કે, અહીં એકસાથે ૧૦ બસો ઉભી રહી શકે તેવા આધુનિક બસ બેસ (Bus Bays) બનાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે અહીં અદ્યતન ટિકિટ વિન્ડો અને આરામદાયક વેટિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી નાગરિકોને બસની રાહ જોતી વખતે કોઈ અગવડ ન પડે. સિટી બસ પોર્ટનું માળખું એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જ્યાં મુસાફરોની સુરક્ષા અને સુગમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પરિવહન સુવિધાની સાથે આ વિસ્તારની સુંદરતામાં વધારો કરવા માટે ટર્મિનલ પરિસરમાં મોડર્ન સ્કલ્પચર્સ (આધુનિક શિલ્પકૃતિઓ) અને આકર્ષક લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવશે. આ બસ પોર્ટ માત્ર એક ટ્રાન્સપોર્ટ હબ જ નહીં, પરંતુ શહેરના આધુનિકીકરણનું એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે, આ વર્ષની અંત સુધીમાં નવસારીની જનતા માટે જાહેર પરિવહનનો એક નવો અનુભવ સમર્પિત થશે.

Back to top button
error: Content is protected !!