
ડેડીયાપાડા – ઘાટોલી અને ગાજરગોટા ખાતે માર્ગ મરામત કામગીરી કરવામાં આવી.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/07/2025 – નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોના દુરસ્તીકરણની કામગીરી ચાલી રહી છે. મોવી ચોકડીથી દેડિયાપાડા રૂટમાં આવતા ઘાટોલી અને ગાજરગોટા ખાતે માર્ગો પર રિપેરિંગનું કામ કરાયું હતું.
નોંધનીય છે કે, જિલ્લામાં ઘાટ વિસ્તારો તેમજ દેડિયાપાડા તરફ જતા મુખ્ય માર્ગો પર ચાલી રહેલા ક્ષતિગ્રસ્ત માર્ગોના દુરસ્તીકરણના કાર્યને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે. વિશેષ કરીને મોવી ચોકડીથી દેડિયાપાડા તરફ જતા માર્ગ પર આવેલા ઘાટોલી અને ગાજરગોટા જેવા વિસ્તારોમાં રોડ રિપેરિંગના કાર્યનું આયોજન થઈ પુનઃ સમારકામ કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદ તથા વારંવારના ટ્રાફિકના કારણે માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. લોકોને સંચાલનમાં મુશ્કેલી ન પડે અને વાહન વ્યવહાર સરળ બને તે દૃષ્ટિએ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ રસ્તાના સમાર કામ અંગે પણ દરેક જિલ્લાના કલેક્ટરશ્રી અને માર્ગ-મકાન વિભાગને કેબિનેટ મિટીંગમાં આ અંગે સૂચના આપી છે અને ગ્રામ્ય તેમજ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપેલ છે તે સંદર્ભે આ કામગીરી નર્મદા જિલ્લામાં પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે અને જ્યાં પણ આવા ખાડા પડી ગયેલ છે તેનું કામ શરૂ કરાયું છે.



