
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ભાજપને મોટો ઝટકો, સંગઠનના ઉપપ્રમુખ સહિત 500 થી વધુ કાર્યકરોનું રાજીનામું – બેલ્યો બેઠક પર અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય હલચલ તેજ બની છે. મેઘરજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં મોટું ભંગાણ સામે આવ્યું છે, જ્યાં તાલુકા સંગઠનના ઉપપ્રમુખ સહિત આશરે 500થી વધુ કાર્યકરોએ એકસાથે રાજીનામું આપી દેતાં પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.માહિતી અનુસાર, બેલ્યો જિલ્લા પંચાયત બેઠક માટે ટિકિટની માંગ કરવામાં આવી હતી, પરંતુ ટિકિટ ન મળતાં સંગઠન અને ડચકા ગામના બેલ્યો વિસ્તારના ડામોર હીરાભાઈ માલાભાઈ ઉપપ્રમુખ અને તેમના સમર્થકોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી. આ નારાજગીના પગલે તેમણે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.રાજીનામા બાદ રાજકીય દિશામાં મોટો વળાંક આવ્યો છે. બેલ્યો જિલ્લા પંચાયત બેઠક માટે રમીલાબેન હિરાભાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે જ જિલ્લામાં અન્ય કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો પર પણ અપક્ષ ઉમેદવારો મેદાને ઉતર્યા છે, જેનાથી ચૂંટણીમાં ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.આ ઘટનાક્રમને કારણે મેઘરજ તેમજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપ માટે આ ભંગાણ ચૂંટણી પહેલાં ચિંતાજનક બની શકે છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે આવનારા દિવસોમાં રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે અને મતદારો કયા તરફ વળે છે તે જોવાનું રહેશે.





