
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – નવાગામ(ઇ)માં અગિયારસનો ત્રિ-દિવસીય લોકમેળો ભરાયો પરંપરાગત મેળામાં આદિવાસી સમાજ ની સંસ્કૃતિ ઉજાગર કરતા શ્રદ્ધા ના પ્રતીક સમાં મેળામાં હજારોની મેદની ઉમટી
અરવલ્લી જિલ્લામાં લોકજીવન અને સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત મેળાઓ આજે પણ ગ્રામ્ય સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ (ઇ) ગામે કંટાળુ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ અગિયારસ, બારસ અને તેરસ નિમિત્તે ત્રિ-દિવસીય મેળા નો આજથી પ્રારંભ થયો છે
આ મેળો તા. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી તથા ૧ માર્ચ દરમિયાન યોજાશે. આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા આ મેળામાં રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયાઓ ઉમટી પડ્યાછે. લગ્ન બાદ નવદંપતિઓ કંટાળુ હનુમાનજી મંદિરે ૧૧ ફેરાની પ્રદક્ષિણા કરી પોતાની માનતા અને બાધા-આખડી પૂર્ણ કરવાની પરંપરા પણ અહીં જોવા મળે છે.તે મુજબ નવ દંપતી દ્વારા હાથ માં અનાજ રાખી ને હનુમાનજી ની 11 પ્રદક્ષિણા કરવામાં આવી
મેળામાં માટીના વાસણો, પરંપરાગત ઢોલ-બાણ, લોકહસ્તકલા સામાન તથા ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતા સ્ટોલો ખાસ આકર્ષણ રહેશે. લોકગીતો અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિનો રંગ જામશે. નાનાં બાળકો થી લઈને વયોવૃદ્ધો સુધી સૌ કોઈ મેળાનો આનંદ માણવા આતુર રહે છે.આજથી ગ્રામ્ય વિસતારો માં હોળી ના ઢોલ ઢબુકવાની શરૂઆત થઈ છે મેળા માંથી મોટા મોટા ભાતિગડ ઢોલ ખરીદતા હોય છે અને સંસ્કૃતિ ને ઉજાગર કરતા નૃત્ય કરે છે
મેળાની વ્યવસ્થા નવાગામ યુવક મંડળ અને નવાગામ (ઇ) ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે સ્વયંસેવકો તૈનાત રહેશે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઈસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 50 પોલીસ કર્મચારી, 50 GRD જવાનો, 50 હોમગાર્ડ, 2 પી.આઈ. અને 5 પી.એસ.આઈ. તૈનાત કરાયા છે. બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને નશાની હાલતમાં ઝડપાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે .ત્રણ દિવસીય આ લોકમેળો પ્રાદેશિક સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે









