
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ ટાઉનમાંથી પીક-અપ વાહનની ચોરી કરનાર રીઢા આરોપીઓને વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી, તેમની પાસેથી ચોરીના ત્રણ મોટરસાયકલ અને ઇલેક્ટ્રિક સામાન સહિત લાખોનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.વઘઈ પોલીસ સ્ટેશનમાં ગત ૧૮/૦૩/૨૦૨૬ના રોજ પીક-અપ ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ સૂચના હેઠળ, પી.આઈ. વી.કે. ગઢવી અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ચોરીના પીક-અપ સાથે દેવીદાસભાઇ રામજયાભાઇ ભોયે (ઉં.વ.૪૨.રહે. મોટામાળગામ, તા. સુરગાણા, જિ. નાસિક મહારાષ્ટ્ર) અને મધુભાઇ રામજયાભાઇ ભોયે (ઉં.વ. ૩૫ રહે. જામનવિહિર ગામ, તા. આહવા, જિ. ડાંગ) ની અટકાયત કરી હતી.અહીં ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી (M.O.) જોવા મળી હતી.આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મુખ્ય આરોપી દેવીદાસ ભોયે વાહનોના શો-રૂમ પર જઈ ટેસ્ટ ડ્રાઈવના બહાને એજન્ટોનો વિશ્વાસ જીતી વાહન લઈને ફરાર થઈ જતો હતો.આ ઉપરાંત, તે સેકન્ડ હેન્ડ વાહનોના માલિકોનો સંપર્ક કરી, દિવસ દરમિયાન રેકી કરતો અને રાત્રિના સમયે વાહનોની ચોરી કરતો હતો. છેલ્લા ચાર વર્ષથી તે ખેતરો અને ગાર્ડનમાંથી સબમર્સિબલ પંપ, સ્ટાર્ટર અને વાયરોની ચોરી પણ કરતો હોવાનું કબૂલ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી પીક-અપ વાહન (GJ-26-U-1848)જેની કિંમત રૂ. ૮,૦૦,૦૦૦/- તથા ૩ મોટરસાયકલ (હોન્ડા સાઈન, સ્પ્લેન્ડર, યુનિકોર્ન) જેની કુલ કિંમત રૂ. ૧,૧૮,૦૦૦/- તથા ૧ સબમર્સિબલ પંપ, ૩ ઇલેક્ટ્રિક સ્ટાર્ટર અને ૩૮૨ મીટર વાયર (કુલ ૮ બંડલ) સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા કરવામાં આવેલ સફળ કામગીરીનાં પગલે વઘઈ, આહવા અને વાંસદા સહિત મહારાષ્ટ્રનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરી અને છેતરપિંડીના વણઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.હાલમાં વઘઇ પોલીસની ટીમ દ્વારા આ બન્ને આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે..





