ભરૂચ ભાજપની મહિલા કોર્પોરેટર અને સેનેટરી ચેરમેનના પતિને મિત્રની હત્યામાં આજીવન કેદની સજા

સમીર પટેલ, ભરૂચ
શક્તિનાથ વિસ્તારમાં અંગત અદાવતમાં કર્તવ્ય રાણાએ પેટમાં ચપ્પુ હુલાવ્યું હતું, વડોદરામાં 13 દિવસની સારવાર બાદ મિત્ર પ્રિન્સ મહંતનું મોત થયું હતું, 2022 ના ગુનામાં ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો, ન્યાયાધીશે મૃતકના મરણોન્મુખ નિવેદનને માન્ય રાખી સજા ફટકારી, ગંભીર ગુનામાં બન્ને પક્ષે સમાધાન પણ થયું હતું
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકા હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ 2022 માં અંગત અદાવતે બે મિત્રો ઉપર હુલાવેલા ચપ્પુમાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું હતું. જે હત્યાના કેસમાં ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ કોર્ટે મહિલા કોર્પોરેટરના પતિને આજીવન કેદની સજા ફરમાવી છે.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના ભાજપના મહિલા કાઉન્સીલર અને સેનેટરી કમિટીના ચેરમેન હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ વર્ષ 2022 માં બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJP ના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી.
શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. ઘટનાના 13 દિવસ બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે દમ તોડી દીધો હતો. પોલીસે મહિલા કોર્પોરેટના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કેસ કોર્ટમાં ચાલી ગયો હતો.
ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ આર.કે. દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા. જોકે આ કેસમાં બન્ને પક્ષે સમાધાન પણ થયું હતું. ન્યાયાધીશે સમાધાન થઈ ગયેલ આ હત્યાના ગંભીર ગુનામાં મૃતકના મરણોન્મુખ નિવેદન ડાઈંગ ડીકલરેશનને આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે.



