AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદમાં મણીબહેન આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન, આધુનિકીકરણ માટે ₹21 કરોડની ફાળવણીની જાહેરાત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ગુજરાત સરકારની વિશિષ્ટ પહેલ અંતર્ગત અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક મણીબહેન આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી અને પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના લાભો અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા તથા અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો, દર્દીઓ અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ હાજરી આપી હતી.

રાજ્યમંત્રીએ આ અવસરે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મણીબહેન આયુર્વેદિક હોસ્પિટલ પર વધતા દર્દીધસારા અને આધુનિક આરોગ્ય સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં નવી હોસ્પિટલ બિલ્ડિંગના નિર્માણ માટે રૂ. 21 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે, જેના કારણે હોસ્પિટલની ક્ષમતા અને સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1970માં સ્થાપિત આ આયુર્વેદિક હોસ્પિટલ પેરાલિસિસ, સાંધાના દુખાવા અને દીર્ઘકાલીન રોગોની અસરકારક સારવાર માટે સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે. દૂરદરાજના વિસ્તારોમાંથી તેમજ અનેક જાણીતા કલાકારો અને નાગરિકો અહીં સારવાર લેવા આવે છે. હોસ્પિટલ, શાળા અને આંગણવાડી જેવા જનહિતલક્ષી પ્રકલ્પોને મજબૂત બનાવવું એ સરકારની પ્રાથમિકતા છે, જેના માધ્યમથી લોકોની આરોગ્ય અને જીવન ગુણવત્તામાં સુધારો લાવવાનો ઉદ્દેશ છે.

મેયરે જણાવ્યું હતું કે, 200 બેડની સુવિધા ધરાવતી મણીબહેન આયુર્વેદિક હોસ્પિટલ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યનું સંરક્ષણ કરી રહી છે. આયુર્વેદ માત્ર રોગનિવારણ સુધી સીમિત નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટેનું માર્ગદર્શન પણ આપે છે. આહાર, દિનચર્યા અને યોગ દ્વારા લાંબા ગાળે સ્વસ્થ રહેવા આયુર્વેદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આયુષ મેળામાં નાગરિકો માટે ડાયાબિટીસ ચેકઅપ, હાડકાની તપાસ (BMD), નાડી પરીક્ષા, કેલ્શિયમ તપાસ તેમજ પ્રકૃતિ પરીક્ષણ જેવી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત પંચકર્મની વિવિધ પદ્ધતિઓ જેવી કે શિરોધારા, જાનુ વસ્તી અને ચામડીના રોગો માટે ઉપયોગી જલોકા થેરાપીનું જીવંત પ્રદર્શન પણ યોજાયું હતું, જેને નાગરિકોએ વિશેષ રસપૂર્વક નિહાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટે વિશેષ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામ મુલાકાતીઓને આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આયુષ મેળાના આયોજનથી નાગરિકોમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ વધી હોવાનું જોવા મળ્યું હતું.

આ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક પ્રવીણભાઈ, જસુભાઈ ઠાકોર, આરએમઓ રાજશ્રીબહેન સુથાર, કાઉન્સિલરો, આમંત્રિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા આયુષ મેળાની સફળતા બદલ તમામ સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!