
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ઝુરા આયુષ્માન આરોગ્ય મંદિરને ‘નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ’ (NQAS) પ્રમાણપત્ર એનાયત
૦૦૦
૯૧.૪૦ ટકાના શાનદાર સ્કોર સાથે આરોગ્ય સેવાઓમાં કચ્છના ઝુરા ગામની નોંધપાત્ર સિદ્ધિ
ભુજ:
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુમરાસર (શેખ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ઝુરા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. આ કેન્દ્રએ રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રમાણપત્ર ૯૧.૪૦ ટકા જેટલા ઊંચા ગુણ સાથે પ્રાપ્ત કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાયેલા સઘન મૂલ્યાંકન અને પરીક્ષણ દરમિયાન આરોગ્ય કેન્દ્રની તબીબી સેવાઓ, સ્વચ્છતાનું સ્તર, દર્દીઓ માટેની સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થાપનને ચકાસવામાં આવ્યા હતા. આ તમામ માપદંડોમાં ઝુરા આરોગ્ય કેન્દ્રની કામગીરી ઉત્કૃષ્ટ સાબિત થઈ હતી.
આ સફળતા પાછળ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓની સતત મહેનત રહેલી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રવિકુમાર બાવરવા અને તત્કાલીન અધિકારી ડો. રોહિત ભીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કાર્ય કર્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગ્રામીણ સ્તરે લોકોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે કરવામાં આવેલા સતત પ્રયાસો આ પ્રમાણપત્ર દ્વારા ફળ્યા છે.
ટીમ વર્ક અને સ્થાનિક સહયોગ
આ સિદ્ધિ મેળવવામાં મેડિકલ ઓફિસર ડો. વિશાલભાઈ કલસરીયા, આયુષ મેડિકલ ઓફિસર ડો. જીતુભાઈ નોરીયા, સુપરવાઇઝર દામજીભાઈ ચાડ તથા જશુબેન, નોડલ CHO વિનોદભાઈ સુથાર અને ધ્રુવલભાઈ વરીઆનું મહત્વનું યોગદાન રહ્યું છે. સાથે જ આરોગ્ય કાર્યકર મિતલબેન અને નીતિનભાઈ ભાનુશાલી તેમજ આશા બહેનો – જયાબેન, દમયંતીબેન, ક્રિષ્નાબા અને સંગીતાબેન સહિતના સ્ટાફે રાત-દિવસ મહેનત કરી હતી. ઝુરાના સરપંચ તુષારભાઈ ભાનુશાલીએ પણ આ પ્રક્રિયામાં વહીવટી સ્ટાફને પૂરો સહયોગ પૂરો પાડ્યો હતો.
આ ગૌરવપૂર્ણ અવસરે આરોગ્ય સ્ટાફ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ ગ્રામજનોને આવી જ ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




