GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલના હસ્તે કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૩૦: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને જિલ્લાના લાઈન ડિપાર્ટમેન્ટના સહયારા પ્રયાસથી વાસંદાના સતીમાળ ગામથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેવિકેના વડા ડૉ. કે.એ.શાહે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતાં રાષ્ટ્રને વિકસિત કરવા તથા દેશને વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા માટે દેશની ખેતીને પણ વૈજ્ઞાનિક ઢબે આગળ લઈ જવા તથા ખેડૂતોને એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્તત્પદન અને આવક વધારવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પાયાની ભૂમિકા ભજવશે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલે કૃષિ રથને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતાં સમગ્ર જિલ્લામાં કૃષિ રથ થકી ખેડૂતોને યુનિવર્સિટીની વિવિધ ટેકનોલોજી જાતાની જાણકારી પૂરી પાડી હતી. વધુમાં તેઓએ ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખેડૂતોએ ખેડ, ખાતર, પાણી અને વૈજ્ઞાનિક જાણકારી મેળવવા અને ખેતીમાં અમલવારી કરવા આહવાન કર્યું હતું તથા જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સેન્દ્રિય ખાતર/લીલો પડવાશ/અળસિયા ખાતર/બાયોચારના ઉપયોગ કરવા સૂચનો કર્યા હતાં.

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એચ.આર.શર્માએ ખેડૂતોને સ્માર્ટ એગ્રીકલ્ચર તરફ આગળ વધવા તથા ખેતી પાકોમાં મૂલ્યવૃધ્ધિ થકી વધુ આવક મેળવવા માટે જરૂરી સૂચનો કર્યા હતાં. આ પ્રસંગે જીલ્લાના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી, બાગાયત, પશુપાલન, ઈફકો, કૃભકો વગેરે સંસ્થાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને ખેડૂતોને સરકારશ્રીની વિવિધ યોજનાની વિગતવાર માહિતી પૂરી પાડી હતી તથા ખેડૂતોને આઈ કિસાન પોર્ટલ પર અરજી કરવા જરૂરી સૂચનો કર્યા હતાં. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના સતીમાળ ગામના સરપંચશ્રી તથા આજુબાજુના ગામ ખાનપુર, બારતાડ, રવાણીયા, અંકલાછ મળીને ૨૦૦ થી વધુ ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!