પંચમહાલના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના પાનમ વિસ્તારના બોરીયા સહિતના 10 ગામોને મહીસાગર જિલ્લાના નવનિર્મિત ગોધર તાલુકામાં સમાવવાના નિર્ણયનો અંતે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ અને ગ્રામજનોની લાગણીને માન આપી રાજ્ય સરકાર દ્વારા આ દસ ગામોને પુનઃ શહેરા તાલુકામાં જ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મહત્વના વહીવટી ફેરફારને પગલે પાનમ પંથકના ગ્રામજનો અને સરપંચોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે. પોતાની રજૂઆત સફળ થતા ગ્રામજનોએ આ લડતમાં સહભાગી બનનાર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.
અગાઉ જ્યારે આ ગામોને નવા બનેલા ગોધર તાલુકામાં ભેળવવાની હિલચાલ શરૂ થઈ હતી ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકો અને સરપંચોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ આ મામલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે ભૌગોલિક અને વહીવટી અનુકૂળતા મુજબ આ ગામો શહેરા તાલુકામાં જ રહે તે હિતાવહ છે. ધારાસભ્યએ ગ્રામજનોની રજૂઆતની ગંભીરતાને સમજીને રાજ્ય સરકારમાં આ મુદ્દે ધારદાર રજૂઆત કરી હતી અને ગ્રામજનોનો પક્ષ મજબૂતીથી રાખ્યો હતો. ધારાસભ્યની સક્રિયતા અને ગ્રામીણ સ્તરે થયેલા વિરોધને ધ્યાને રાખી રાજ્ય સરકારે આખરે 10 ગામોને ગોધર તાલુકામાં સમાવવાને બદલે શહેરા તાલુકામાં જ રાખવાનો આદેશ કરતા વિવાદનો ઉકેલ આવ્યો છે. પોતાના ગામો ફરી શહેરા તાલુકાનો હિસ્સો બનતા જુનાખેડા, આસુંદરીયા, મોર, ઉંડારા અને રમજીની નાળ એમ કુલ 10 ગામોનો સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈ જેઠાભાઈ ભરવાડનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.





