
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ધોરણ-10 અને 12 બોર્ડ પરીક્ષાની તૈયારી પૂર્ણ, 31 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા – કુલ 45 પરીક્ષા કેન્દ્રોના 124 બિલ્ડિંગમાં 1083 બ્લોકમાં પરીક્ષા યોજાશે
અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાનારી ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષા વ્યવસ્થાની વિગત જાહેર કરવામાં આવી છે.
જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રોના 124 બિલ્ડિંગમાં 1083 બ્લોકમાં પરીક્ષા યોજાશે, જેમાં કુલ 31,310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કામગીરી માટે 1,986 કર્મચારીઓ ફરજ પર મુકવામાં આવ્યા છે. ધોરણ-10માં 18,314, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 11,194 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,802 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા માટે તમામ 124 કેન્દ્રો પર 496 પોલીસ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે તેમજ પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટે વધારાના 62 પોલીસ ગાર્ડ મુકવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રોમાં 59 વર્ગ-1 અને વર્ગ-2 અધિકારીઓ પરીક્ષા સમયગાળા દરમિયાન દેખરેખ રાખશે.પ્રશ્નપત્રો ઝોનથી કેન્દ્ર સુધી પહોંચાડવા માટે 225 પ્રાથમિક વિભાગના આચાર્ય અને CRC સંકલનકારોને સરકારી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય સેવા, વિજળી વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને સમયસર બસ સુવિધા મળી રહે તે માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.વાલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા જિલ્લા કચેરી ખાતે તા. 25 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ (ફોન નં. 02774 250190) કાર્યરત રહેશે.જિલ્લામાં SSC માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાકરિયા તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ શામળાજી ખાતે ઝોન બનાવવામાં આવ્યા છે જ્યારે HSC માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાકરિયા ઝોન તરીકે કાર્યરત રહેશે.જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી છે.





