AHAVADANGGUJARAT

માલેગામમાં અસામાજિક તત્વોની હરકતથી 11 KV મેન કેબલ બળી ખાખ: અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીમાં આવેલ માલેગામ વિસ્તારમાં અસામાજિક તત્વોની બેદરકારીના કારણે ગંભીર ઘટના સામે આવી છે.જંગલ વિસ્તારમાં લગાડવામાં આવેલી આગના કારણે GEB નો 11 KV નો મુખ્ય વીજ કેબલ બળી જતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, અજાણ્યા તત્વો દ્વારા જંગલમાં આગ લગાડવામાં આવી હતી. સૂકા ઘાસ અને પવનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની જ્વાળાઓ જમીન પરથી પસાર થતા 11 KV ના મેન કેબલ સુધી પહોંચતાં, હજારો વોલ્ટનો પ્રવાહ વહન કરતો કેબલ ક્ષણોમાં જ પીગળી સંપૂર્ણપણે નકામો બની ગયો હતો.ઘટનાની જાણ થતાં જ GEB નો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.વીજ કર્મચારીઓએ જીવના જોખમે મેન પાવર સપ્લાય તાત્કાલિક બંધ કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.ભારે મહેનત બાદ જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.આ વિકટ પરિસ્થિતિ અને ભારે તાપ છતા સ્ટાફે નવો કેબલ નાખવાની કામગીરી શરૂ કરી હતી.હાલમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે. કેબલ સંપૂર્ણપણે બળી જતા નુકસાન ભારે પ્રમાણમાં થયું છે, છતાં ગ્રામજનોને લાંબા સમય સુધી અંધારામાં ન રહેવું પડે તે માટે વીજ વિભાગના કર્મચારીઓ સતત કાર્યરત છે.આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અસામાજિક તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે..

Back to top button
error: Content is protected !!