પંચમહાલના શહેરામાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૭૩૨ કરોડના ૧૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી રૂપિયા ૭૩૨ કરોડના ખર્ચે તૈયાર થનારા ૧૧૨ જેટલા પ્રજાલક્ષી વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારની પ્રાથમિકતા છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવાની હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાનમ જળાશય આધારિત પૂર્વ પટ્ટી ઉદવહન સિંચાઇ યોજનાનું ખાસ લોકાર્પણ કરાયું હતું. આ મહત્વકાંક્ષી યોજનાથી જિલ્લાના ૭૯ ગામોના ૧૩૦ તળાવો નર્મદાના નીરથી ભરાશે, પરિણામે સ્થાનિક ૮૬ હજાર એકર જમીનને સિંચાઈનો સીધો અને વ્યાપક લાભ મળશે.
મુખ્યમંત્રીએ આદિજાતિ સમાજના ઉત્થાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જનજાતીય કલ્યાણ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૨ લાખ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે. આ ભંડોળ થકી અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા ક્ષેત્રે મોટા પાયે વિકાસ કાર્યો હાથ ધરાશે. અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા અને સ્થાનિકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી, યુવા ડોક્ટરો પોતાની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે બજેટમાં રૂપિયા ૨૨ કરોડની વિશેષ જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત જળસંચય માટે દરેક ધારાસભ્યને ૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ અને નર્મદા આધારિત લિફ્ટ ઇરિગેશન માટે ૪૮૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ રાજ્ય સરકારના ઐતિહાસિક ૪ લાખ કરોડના બજેટને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે પાયારૂપ ગણાવ્યું હતું. તેમણે ખેડૂતો માટે જાહેર કરાયેલા ૪૦૦૦ કરોડના સહાય પેકેજનો ઉલ્લેખ કરી સરકારની ખેડૂતલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શહેરામાં નાની સિંચાઈ યોજનાઓથી ખેડૂતોની આવકમાં થનારા વધારા વિશે વાત કરી હતી. સાથે જ તેમણે પંચમહાલ ડેરીનો ઓક્સિજન પ્લાન્ટ શહેરા સિવિલ હોસ્પિટલને દર્દીઓની સેવા અર્થે અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રિમોટ કંટ્રોલ દ્વારા કરાયેલા આ લોકાર્પણ બાદ જિલ્લાની વિકાસ યાત્રા દર્શાવતી ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદો, વિવિધ ધારાસભ્યો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—







