GUJARATKHERGAMNAVSARI

ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે યોજાયેલા માતૃવંદના રક્તદાન કેમ્પમાં 119 યુનિટ રક્ત એકત્રિત

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ


ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે ખેરગામના યુવા લીડર અને સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા પોતાની માતૃશ્રી સ્વ. ચિંતુબેન ભુલાભાઈ પટેલની પુણ્યતિથિ તથા બાળકોના જન્મદિવસ નિમિત્તે માતૃવંદના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાભર્યા કાર્યક્રમમાં કુલ 119 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
સ્વ. ચિંતુબેન પટેલ પોતાની વિશાળ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક સહિત રાજ્યકક્ષાના ત્રણ પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને સ્થાનિક સ્તરે હંમેશા લોકહૃદયમાં વસેલા રહ્યા હતા. તેમની સ્મૃતિને સમર્પિત આ રક્તદાન કેમ્પમાં 2000થી વધુ લોકોએ હાજરી આપી, જ્યારે 300થી વધુ લોકોએ હિમોગ્લોબિન ચેકઅપ કરાવ્યો હતો.હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, આદિવાસી સમાજ સહિત તમામ વર્ગના યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો. જીવન બચાવવાના આ યજ્ઞમાં 119 રક્તદાતાઓએ રક્તદાન કર્યું, જેમાં નોંધનીય રીતે 40 ટકા જેટલી મહિલા રક્તદાતાઓએ સિંહફાળો આપ્યો હતો.
નજીકના ભૂતકાળમાં રક્તદાન કરી ચૂકેલા અથવા હિમોગ્લોબિનની ઉણપ તથા અન્ય આરોગ્ય કારણોસર રક્તદાન માટે અયોગ્ય ઠરેલા દાતાઓ રક્તદાન ન કરી શકવા બદલ થોડી નિરાશા વ્યક્ત કરી હતી, તેમ છતાં તેમણે કાર્યક્રમ પ્રત્યે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
આ પ્રસંગે ડો. નિરવ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “સમય અંગે થોડી ગેરસમજ હોવા છતાં સવારથી જ રક્તદાતાઓ અને મુલાકાતીઓની અવરજવર ચાલુ રહી. સાંજે 5 વાગે શરૂ થયેલા કેમ્પમાં શરૂઆતથી જ રક્તદાતાઓનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો. ખાસ કરીને પ્રથમવાર રક્તદાન કરનાર મહિલાઓનો પ્રતિભાવ અમારે માટે અત્યંત આનંદદાયક રહ્યો. મહિલાઓએ સાબિત કરી બતાવ્યું કે તેઓ માત્ર પરિવાર નહીં પરંતુ સમાજ અને માનવતા માટે પણ પુરુષો જેટલી જ સક્ષમ છે.”કોઈપણ જાતના પ્રલોભન વગર અને જાતિ-પાતના ભેદભાવ વિના પ્રેમભાવથી આવેલા રક્તદાતાઓએ સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો. વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. કમલ પટેલ અને ભાવેશ રાઇચાની ટીમે રાત્રે 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા મહેમાનો, તમામ રાજકીય પક્ષોના આગેવાનો તથા સામાજિક આગેવાનો દ્વારા અપાયેલા અભૂતપૂર્વ સહયોગ બદલ આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ડો. નિરવ પટેલે લોકોમાં અપીલ કરી હતી કે, પોતાના ઘરે રહેલા સારા જુના કપડાં અને રમકડાં દાનમાં આપી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાના કાર્યમાં સહભાગી બને.

Back to top button
error: Content is protected !!