
અરવલ્લી
અહેવાલ:- હિતેન્દ્ર પટેલ
ઈસરી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા 12મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામ ખાતે આવેલ શ્રી એન. યુ. બિહોલા પી.વી.એમ. હાઈસ્કૂલમાં સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો 12મો નેત્ર નિદાન અને સારવાર કેમ્પ તા. 28-12-2025 ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કેમ્પ દરમિયાન કુલ 1005 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 703 દર્દીઓને રાહતદરે નંબરના ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તપાસ દરમિયાન મોતિયા, વેલ અને નાસુરના કુલ 162 દર્દીઓ મળી આવ્યા હતા, જેમના વિનામૂલ્યે ઓપરેશન શ્રી જલારામ હોસ્પિટલ, મેઘરજ ખાતે કરાવી આપવામાં આવશે.આ કેમ્પનું આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી અશોક પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ, શાળાના સ્ટાફમિત્રો, આંખના મદદનીશોની ટીમ તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી.આ પ્રકારના આરોગ્યલક્ષી કેમ્પોથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને સમયસર સારવાર મળતી હોવાથી લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.





