નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી હાથ ધરી વધુ ૧૪ કોમર્શિયલ મિલકતો સીલ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે વિજલપોર શહેર વિસ્તારમાં આવેલ કુલ ૧૪ કોમર્શિયલ મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉથી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મિલકતધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વોર્ડ ૦૮ વિજલપોર વિસ્તારમાં આવેલ સમર્થ એપાર્ટમેંટમાં ૩ સીલ, વિજયનગર શોપિંગ સેંટરમાં ૩ સીલ, દેવ દીપ એપાર્ટમેંટમાં ૦૪ સીલ, પ્રજાપતિ આશ્રમ પાસે નેહા હરિસ ઠાલવાણીની ૦૪ મિલકત પર સીલ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અમુક કોમર્શિયલ માલિકોએ સ્થળ પર વેરા ચુકવણી કરવામાં આવી હતી જે મુજબ રોકડ રૂ. ૮૧,૦૦૦ /- રિકવર થયા હતા. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાકી વેરો વસૂલ કરવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે. બાકીદારોને અંતિમ તક તરીકે તાત્કાલિક બાકી રકમ ભરપાઈ કરી મિલકત અનસીલ કરાવવા સૂચના આપવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં ચૂકવણી નહીં કરવામાં આવે તો આગળની વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા તમામ મિલકતધારકોને અનુરોધ કરે છે કે તેઓ સમયસર વેરો ભરપાઈ કરી નગર વિકાસમાં સહભાગી બને. વધુ માહિતી અથવા સહાય માટે વેરા વિભાગ, નવસારી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.




