Jetpur: મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને જેતપુરના મેવાસા ખાતે યોજાનારા ત્રિવિધ કાર્યક્રમો

તા.૧૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો સેવા સેતુ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ તેમજ મેડિકલ કેમ્પ યોજાશે
Rajkot, Jetpur: રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના પ્રશ્નોના નિવારણ તાલુકા કક્ષાએ આવી શકે તે માટે તા.૧૭ મે ૨૦૨૫ના રોજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો, રમત ગમત વિભાગના મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને રામ બાપાની જગ્યાની વાડી, મેવાસા, જેતપુર ખાતે સવારે ૯:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન તાલુકા કક્ષાનો સેવા સેતુ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને મેડિકલ કેમ્પ યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઈ.એન.ટી, ગાયનેક, સ્કીન, ઓર્થોપેડિક, પીડિયાટ્રીશન જેવા નવ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગો અંગેના મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય અને સરકારના વિવિધ ૧૩ વિભાગોની સેવાઓ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોને આપવામાં આવશે. મેવાસા ખાતે આયોજિત આ કેમ્પમાં આસપાસના કેરાળી, લુણાગરા, પ્રેમગઢ, લુણાગરી, મેવાસા, રબારીકા, જાંબુડી, પાંચપીપળા, સરધારપુર, મોટા ગુંદાળા, મંડલીકપુર, પેઢલા અને જૂની સાંકળી ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી તેમજ જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટની યાદીમાં જણાવાયું છે.



