સુપ્રીમના આદેશના પગલે નીટ-યુજીનું પરિણામ ઓનલાઈન જાહેર, વિવાદ વધવાના એંધાણ
12મું ફેલ અમદાવાદની વિદ્યાર્થિનીને NEET-UGમાં 705 માર્ક

નવી દિલ્હી : દેશમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નીટ-યુજી પરીક્ષા યોજનાર એનટીએએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શનિવારે બપોરે તેની વેબસાઈટ પર સેન્ટર મુજબ પરિણામ જાહેર કર્યું હતું. આ પરિણામો જાહેર થતાં પેપર લીક અને ગેરરીતિનો વિવાદ વધુ વકરવાના એંધાણ મળી રહ્યા છે. કારણ કે એકબાજુ આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ગાજેલા ગોધરા કેન્દ્રમાં માત્ર બે જ વિદ્યાર્થીને ૬૦૦થી વધુ માર્ક્સ મળ્યા હતા જ્યારે રાજકોટના એક કેન્દ્રમાં પરીક્ષા આપનારા ૨૪૦થી વધુ વિદ્યાર્થીઓએ ૬૦૦થી વધુ માર્ક્સ મેળવ્યા હતા, જેમાં એક વિદ્યાર્થીને પરફેક્ટ ૭૨૦ માર્ક્સ મળ્યા છે. બીજીબાજુ રાજસ્થાનના સિકરમાં ૧૪૯ વિદ્યાર્થીને ૭૦૦થી વધુ માર્ક્સ મળ્યા છે. વધુમાં પેપર લીકની તપાસ કરતી સીબીઆઈએ માસ્ટર માઈન્ડ શશિ પાસવાનની ધરપકડ કરી છે.
નીટ-યુજી પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીક સહિતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ૪૦થી વધુ અરજીઓની સુનાવણી ચાલી રહી છે. આવા સમયે સોમવારે સંભવત: અંતિમ સુનાવણી પહેલાં સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને શનિવારે બપોર સુધીમાં તેની વેબસાઈટ પર વિદ્યાર્થીઓની ઓળખ જાહેર ના થાય તે રીતે સેન્ટર મુજબ પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે એનટીએએ શનિવારે ઓનલાઈન પરિણામ અપલોડ કરતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજસ્થાનના સીકરના પરીક્ષા કેન્દ્રના આંકડા જોઈને શિક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સિકરમાં ૧૪૯ વિદ્યાર્થીને ૭૦૦થી વધુ માર્ક્સ મળ્યા છે જ્યારે ૪,૨૯૭ વિદ્યાર્થીને ૬૦૦થી વધુ માર્ક મળ્યા છે.
રાજકોટમાં આરકે યુનિવર્સિટીના યુનિટ-૧ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ કેન્દ્રમાં પરીક્ષા આપનારા સૌથી વધુ વિદ્યાર્થીઓએ નીટ-યુજી પાસ કરી છે. આ કેન્દ્ર પર પરીક્ષા આપનારા કુલ ૧૯૬૮ વિદ્યાર્થીમાંથી ૮૫ ટકા પાસ થયા છે. રાજકોટના આ કેન્દ્ર પર ૧૨ વિદ્યાર્થીને ૭૦૦થી વધુ માર્ક્સ મળ્યા છે જ્યારે ૨૫૯ વિદ્યાર્થીને ૬૦૦થી વધુ માર્ક્સ મળ્યા છે.
અમદાવાદ શહેરનાં કુલ ૨૧ સેન્ટરમાથી ૧૨ સેન્ટરનાં પરિણામ પર નજર કરવામાં આવે તો ૪૧ વિદ્યાર્થીઓને ૭૦૦થી વધુ માર્કસ પ્રાપ્ત થયા છે. અમદાવાદના ડીપીએસ સેન્ટરમાથી ૧૨ વિદ્યાર્થીને ૭૦૦થી વધુ માર્કસ મળ્યાં છે. બીજી તરફ વિવાદીત એવા ગોધરા સેન્ટરમાં સૌથી નબળુ પરિણામ આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. ગોધરામાં માત્ર ૧૪ વિદ્યાર્થીને જ ૬૦૦થી વધુ માર્ક્સ પ્રાપ્ત થયાં છે. એવુ પણ જાણવા મળે છે કે, એક વિદ્યાથની ધોરણ ૧૨માં નાપાસ થયેલી છે પરંતુ નીટના પરિણામમાં તેનાં ૭૦૦થી વધુ માર્કસ છે. એ જ રીતે નીટ-યુજી વિવાદમાં વિવાદાસ્પદ બનેલા અન્ય કેન્દ્રો બહાદુરગઢની હરદયાલ પબ્લિક સ્કૂલમાં માત્ર ૧૩ વિદ્યાર્થીને ૬૦૦થી વધુ માર્ક્સ મળ્યા હતા. હઝારીબાગની ઓએસિસ પબ્લિક સ્કૂલમાં માત્ર ૨૩ વિદ્યાર્થીને ૬૦૦થી વધુ માર્ક્સ મળ્યા હતા.
દરમિયાન સીબીઆઈએ પટના નીટ-યુજી પેપર લીક કેસમાં શનિવારે ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેમાં એક માસ્ટર માઈન્ડ શશિ કુમાર પાસવાનનો સમાવેશ થાય છે. આ સિવાય બે મેડિકલ વિદ્યાર્થીઓ મંગલમ બિશ્નોઈ અને દીપેન્દ્ર કુમાર સોલ્વર ગેંગના સભ્ય તરીકે કામ કરતા હતા. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૧ લોકોની ધરપકડ કરી છે.
એક વિદ્યાર્થિનીની વાયરલ થઈ રહેલી ધોરણ 12માં માર્કશીટ તેને ભૌતિક શાસ્ત્રમાં 21 ગુણ, રસાયણ શાસ્ત્ર 31 ગુણ અને જીવ વિજ્ઞાનમાં 39 ગુણ મળ્યા હતા. જ્યારે અંગ્રેજીમાં માત્ર 59 ગુણ મળ્યા છે. તેને 700માંથી કુલ 352 ગુણ મેળવતા નાપાસ થઈ હતી. વિદ્યાર્થિનીએ ધોરણ 11 અને 12મા કોચિંગ સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં નોંધણી થઈ હતી. NEET-UG પરિણામ જાહેર થયું ત્યારે સ્કૂલના અધિકારીઓ એ જાણીને ચોંકી ગયા કે 705 ગુણ મેળવનાર વિદ્યાર્થીને રાજ્યના ટોપર્સમાં સ્થાન મળ્યું છે. તેણીનો NEET સ્કોર ભૌતિક શાસ્ત્રમાં 99.8 ટકા, રસાયણ શાસ્ત્રમાં 99.1 ટકા અને જીવ વિજ્ઞાનમાં 99.1 ટકા હતો. આ ગુણ મેળવવાથી મેડિકલ કોલેજનો રસ્તો સાફ થઈ જાય છે. પરંતુ 12માં નાપાસ થવાને કારણે વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરી શકશે નહીં. આ માટે ધોરણ 12મા ઓછામાં ઓછા 50 ટાકા હોવા જરૂરી છે.


