AHAVADANGGUJARAT

રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ઉમરગામ ખાતે બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની શાનદાર ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

જનજાતિય ગૌરવ દિવસે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ, રમતગમતમાં સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું સન્માન પણ કરાયું

જનજાતિય ગૌરવ યાત્રા એ આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે: મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર માત્ર ૬ જ દિવસમાં નુકશાન સહાય આપવા માટે ફોર્મ ભરાવી અસંભવ કામને સંભવ કરી ખેડૂતો માટે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું. મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિ સમાજના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે. ત્યારે વલસાડમાં જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને થઈ હતી.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. આદિવાસી સમાજ માટે તેમની દીર્ઘદ્રષ્ટિના કારણે તેઓ ભગવાન તરીકે પૂજાય રહ્યા છે. આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ આદિવાસી તાલુકામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે.

મહામાનવ બિરસા મુંડાનો પરિચય આપવાની જરૂર નથી એક કહી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, સમગ્ર ભારતમાં આજે બિરસા મુંડા ભગવાન તરીકે પૂજાય રહ્યા છે. માં ભારતીની આઝાદી માટે બિરસા મુંડાએ આદિવાસી સમાજને એક ન કર્યા હોત તો આઝાદી મોડી મળી હોત. આઝાદી મળ્યા બાદ આદિવાસી સમાજના જીવનનો ઉદય કરવાનો વિચાર ભૂતકાળમાં કોઈને આવ્યો ન હતો પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આદિવાસી સમાજના જીવન ધોરણને ઉપર લાવવાનો વિચાર આવતા આજે આદિવાસી સમાજ વિકાસની મુખ્યધારામાં જોડાયો છે. વર્ષ ૨૦૨૧થી વડાપ્રધાનશ્રી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરી રહ્યા છે. જનજાતિય ગૌરવ યાત્રા એ આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. આજે આઈઆઈટીમાં આદિવાસી સમાજના દીકરા દીકરી અભ્યાસ કરી રહ્યા છે. રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી રહ્યા છે. આદિવાસી સમાજના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના, રોડ, પાણી, વીજળી, આવાસ, સ્કૂલ અને દવાખાના સહિતની માળખાકીય સુવિધાની ભેટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આપી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાત દિવસમાં તાત્કાલિક ઠરાવ કરી પંચ રોજકામના આધારે માત્ર ૬ જ દિવસમાં નુકશાન સહાય આપવા માટે ફોર્મ ભરાવી અસંભવ કામને સંભવ કરી ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર તાત્કાલિક ધોરણે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરી ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ખેડૂતોના પડખે ઉભા રહેવાનું કાર્ય કર્યું છે. જે બદલ હું ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર માનુ છું. વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનની સહાય તેમના બેંક ખાતામાં આપવામાં આવશે. જે કોઈ ખેડૂતને નુકસાન થયુ હોય તો તેમને સહાય આપવાની જવાબદારી મારી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીની છે. સરકાર ખેડૂતોને ફરી બેઠા કરવા માટે પ્રયત્નશીલ છે અને ગુજરાતના ખેડૂતો સશક્ત બની ફરી બહાર આવશે.

દિલ્હી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી મોદીજી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે વિશ્વાસ અપાવ્યો છે કે, આતંકવાદીનું આ કાયરતાપૂર્ણ કૃત્ય કરનાર જે કોઈ પણ હશે તેને ભારત બરાબરનો હિસાબ આપશે. નિર્દોષની હત્યા ક્યારેય સાંખી લેવાય નહિ. આજે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું ભારતની આ તાકાતને સમગ્ર વિશ્વે જોઈ છે.

આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, વિશ્વાસ સાથે પરિવર્તનનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ગરીબો પ્રત્યે તેમની અપાર લાગણી છે. વિધવા બહેનોને પેંશન, આયુષ્યમાન કાર્ડ સહિતના અનેક કાર્યો કર્યા છે. ઉમરગામ તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની વાત કરતા ધારાસભ્યશ્રી એ જણાવ્યું કે, ઉમરગામમાં ૪૦૨૨ આવાસનું કામ પૂર્ણ થયું છે. આ સિવાય વધુ ૧૭૦૦ આવાસ બનવા જઇ રહ્યા છે. આગામી તા. ૨૩ મી નવેમ્બરના રોજ યોજાનાર રન ફોર યુનિટીમાં ભાગ લેવા સૌને અપીલ કરી હતી. હાલમાં ચાલી રહેલી SIR ની કામગીરી અંગે જણાવ્યું કે, ઉમરગામ તાલુકાના મોટેભાગના ગામના લોકો માછીમારી માટે બહારગામ જતા હોય છે ત્યારે તેઓના નામ મતદાર યાદીમાં બાકી ન રહી જાય તે અંગેની જવાબદારી બીએલઓ અને જે તે ગામના સરપંચોની છે.

આ પ્રસંગે ૧૧ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા, સાથે જ રમત ગમતમાં સિદ્ધિ મેળવનાર ૧૦ ખેલાડીઓનું સન્માન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમરગામ તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ડાંગી નૃત્ય, આદિવાસી નૃત્ય, મરાઠી નૃત્ય અને માછી નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી નિરવભાઈ પટેલે કર્યું હતું. જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માએ વારલી પેઇન્ટિંગ અને પુસ્તક સાથે મંત્રીશ્રી વાઘાણીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સરપંચ સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ, ઉમરગામ પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આદિવાસી દેવ દેવતાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડા, ઉમરગામ પાલિકા પ્રમુખ શ્રી મનીષ રાય, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી ભરતભાઇ જાદવ, ધોડીપાડા ગામના સરપંચ બીનાબેન, માજી સાંસદ શ્રી ડો. કે.સી.પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી શિલ્પેશ દેસાઈ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બી.એન.દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ, આત્માના ડેપ્યુટી ડાયરેકટર વિમલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!