
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા તા. ૧૦ થી ૧૫ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં આયોજિત ‘સ્વદેશી-સ્વાવલંબન યાત્રા-૨૦૨૫’ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીખલી ગામે આવેલ માધ્યમિક શાળા ખાતે પણ આ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રાનો મુખ્ય હેતુ શિક્ષણ લેતી યુવા પેઢીને સ્વદેશી, સ્વાવલંબન, સરદાર અને સ્નાતકના વિચારોની પ્રસ્તુતિ કરાવવાનો છે. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનના “આત્માનિર્ભર ભારતના” અભિયાનને મૂર્તિમંત કરવા તેમજ ગૂજરાત વિદ્યાપીઠના સ્વદેશીના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે યોજાયો હતો.ગૂજરાત વિદ્યાપીઠના ૨૫૦૦ જેટલા સેવકો અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ સહિતના કાર્યકર્તાઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રાના માધ્યમથી ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીખલી ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ દેશના વિકાસમાં યોગદાન આપવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સ્વાવલંબનનો સંકલ્પ લીધો હતો.સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સ્વાવલંબન યાત્રા ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવ્રતજી તેમજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે.ગૂજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિઓએ ચીખલી માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે મળીને સ્વદેશી અને સ્વાવલંબનનો સંદેશ આપ્યો હતો. પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ જનજાગૃતિના કાર્યમાં સહભાગી થયા હતા.સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સાથે મળીને સ્વદેશી અને સ્વાવલંબનના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કર્યો હતો..





