
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
મોબાઈલ રિચાર્જના વધતા ભાવ : ગરીબ અને મધ્યમ વર્ગ માટે ‘ડિજિટલ ઈન્ડિયા’ હવે આશીર્વાદ નહીં પણ આર્થિક બોજ!
૦૦૦
ટેલિકોમ કંપનીઓની નફાખોરી સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સીધા હસ્તક્ષેપની માંગ; ‘રાઈટ ટુ કોમ્યુનિકેશન’ હેઠળ સસ્તા ઈનકમિંગ પ્લાન આપવા રજૂઆત
રતાડીયા,તા.17: આજના યુગમાં મોબાઈલ એ માત્ર મોજશોખનું સાધન નથી પરંતુ જીવનની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. ભારત સરકારની અનેક મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, રેશનકાર્ડ સાથે આધાર લિંકિંગ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) માટે મોબાઈલ નંબર હોવો અને તેના પર ઓટીપી મેળવવો ફરજિયાત બની ગયો છે. બેંકિંગ વ્યવહારો અને છેતરપિંડીથી બચવા માટે પણ મોબાઈલ મેસેજ અનિવાર્ય છે. આમ જ્યારે સરકારે જ મોબાઈલને પ્રાથમિક જરૂરિયાત બનાવી દીધી છે ત્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 (જીવવાનો અધિકાર) ના વ્યાપક અર્થ મુજબ સામાન્ય નાગરિકને પરવડે તેવા દરે સંદેશાવ્યવહારની સુવિધા મેળવવાનો લોકોનો મૂળભૂત અધિકાર છે.
દુર્ભાગ્યવશ ખાનગી ટેલિકોમ કંપનીઓ જેવી કે રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા દ્વારા તાજેતરમાં રિચાર્જ પ્લાનમાં 15% થી 25% સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જે પરિવારો ગરીબી રેખા હેઠળ (બીપીએલ) જીવે છે અથવા મધ્યમ વર્ગમાં આવે છે તેમના માટે દર મહિને 200 થી 300 નું રિચાર્જ કરાવવું આર્થિક રીતે અશક્ય બની રહ્યું છે. પહેલાં બીએસએનએલ જેવી સરકારી કંપનીમાં માત્ર વાર્ષિક 100 જેટલા ભાડામાં ઈનકમિંગ સુવિધા આપતી જેની સામે અત્યારે માત્ર નંબર ચાલુ રાખવા માટે પણ વર્ષે 2000 થી 2500 ખર્ચવા પડે છે. ઘણા પરિવારોને વર્ષમાં માત્ર ગણ્યાગાંઠ્યા ફોન કરવાની જરૂર હોય છે છતાં તેમણે ફરજિયાત આખો પ્લાન ખરીદવો પડે છે જે તેમની સાથે અન્યાય અને ઉઘાડી લૂંટ છે.
આ ગંભીર પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં હસ્તક્ષેપ કરવો જોઈએ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ને કડક સૂચના આપીને તમામ ઓપરેટરો માટે એક ‘બેઝિક સર્વિસ પ્લાન’ જાહેર કરાવવો જોઈએ. આ પ્લાન હેઠળ વાર્ષિક મામૂલી ભાડામાં ઈનકમિંગ કોલ અને સરકારી મેસેજ ફ્રી મળવા જોઈએ અને આઉટગોઈંગ માટે ટોપ-અપ વાઉચરની વ્યવસ્થા હોવી જોઈએ. જો ડિજિટલ ઈન્ડિયાને સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી પહોંચાડવું હોય તો ટેલિકોમ કંપનીઓની મનમાની રોકવી અનિવાર્ય છે. નહીંતર આ સુવિધા ગરીબ માટે દંડ અને મધ્યમ વર્ગ માટે આજીવન બોજ બની રહેશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



