
કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ભારતના આઈટી ક્ષેત્રમાં ફરીથી ગતિ જોવા મળી છે. એક રિપોર્ટ મુજબ વર્ષ દરમિયાન કુલ આઈટી નોકરીની માંગ ૧૮ લાખ સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૬%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આથી આઈટી ઉદ્યોગમાં ભરતી ફરી મજબૂત બની રહી હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે. વર્કફોર્સ અને ટેલેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઈડર ક્વેસ કોર્પ દ્વારા તૈયાર કરાયેલા “આઈટી વર્કફોર્સ ટ્રેન્ડ્સ ઇન ઈન્ડિયા ૨૦૨૫” રિપોર્ટ અનુસાર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એ આઈટી ભરતીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વર્ષ ૨૦૨૫માં કુલ ભરતીમાંથી આશરે ૨૭% હિસ્સો ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સેગમેન્ટનો રહ્યો હતો, જે ૨૦૨૪માં માત્ર ૧૫% હતો. પ્રોડક્ટ અને SaaS કંપનીઓએ પસંદગીપૂર્વક ભરતી વધારી છે, જ્યારે આઈટી સર્વિસીસ અને કન્સલ્ટિંગ ક્ષેત્રે મર્યાદિત વૃદ્ધિ જોવા મળી છે. ફંડિંગમાં નરમાઈને કારણે સ્ટાર્ટઅપ્સમાં ભરતી નીચા સિંગલ-ડિજિટ સ્તરે સીમિત રહી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
ભરતીમાં સૌથી વધુ ઝોક મધ્ય-અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સ તરફ રહ્યો હતો. ૪ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા કર્મચારીઓ કુલ ભરતીમાંથી લગભગ ૬૫% હતા, જ્યારે એન્ટ્રી-લેવલ ભરતી માત્ર ૧૫% સુધી સીમિત રહી હતી. સાથે જ, કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં પણ વધારો થયો છે અને ૨૦૨૫માં તેનો હિસ્સો ૧૦ થી ૧૧% રહ્યો છે. રિપોર્ટ મુજબ ૨૦૨૬ સુધી આઈટી ક્ષેત્રમાં ભરતીની ગતિ યથાવત્ રહેવાની સંભાવના છે, ખાસ કરીને વિશિષ્ટ ડિજિટલ સ્કિલ્સ અને ટિયર-II શહેરોમાં વિસ્તરણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.



