આણંદ જનરલ હોસ્પિટલમાં ઓટો બાયો કેમેસ્ટ્રી એનેલાઈઝર મશીનથી દર કલાકે 200 ટેસ્ટ થશે

આણંદ જનરલ હોસ્પિટલમાં ઓટો બાયો કેમેસ્ટ્રી એનેલાઈઝર મશીનથી દર કલાકે 200 ટેસ્ટ થશે
તાહિર મેમણ – આણંદ – 07/11/2024 – સુગર, કિડની, લીવર ફંકશન ટેસ્ટ, કેલ્શિયમના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થઇ
આણંદ જનરલ હોસ્પિટલને રૂ.19.41 લાખના ખર્ચે આ હોસ્પિટલને ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક તરફથી તેમના સીએસઆર ફંડ માંથી અધ્યતન સુવિધા માટે ત્રણ સાધનો મળેલ છે, જેમાં ફુલ્લી ઓટો બાયો કેમેસ્ટ્રી એનાલાઈઝર મશીન જેમાં બ્લડ બાયો કેમેસ્ટ્રી ને લગતા પરીક્ષણ એટલે કે સુગર, કિડની ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઈલ, લીવર ફંકશન ટેસ્ટ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરેના ટેસ્ટ થઈ શકશે. આ ઉપરાંત આ મશીન દ્વારા દર કલાકે 200 જેટલા ટેસ્ટ થઈ શકશે, જેથી દર્દીઓને ઓછા સમયમાં તેમનો રિપોર્ટ મળી જશે, આ ઉપરાંત ઓટોમેટેડ બ્લડ કલ્ચર સિસ્ટમ દ્વારા બ્લડમાં અથવા બોડી ફ્લુઇડ ઇન્ફેક્શન હોય તેને માટે ઓટોમેશન સાધન છે, આ મશીન એક સાથે 40 બોટલોનું પરીક્ષણ થઈ શકશે, અને અધ્યતન ફોલ્ડીંગ સ્ટ્રેચર ઈમરજન્સીમાં દર્દીને રિફર કરવા માટે ખૂબ ઉપયોગી થશે તેમ સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ જણાવ્યું હતું.
જનરલ હોસ્પિટલ આણંદ ખાતે દર મહિને અંદાજિત 15 હજાર જેટલી ઓપીડી નોંધાય છે અને દર મહિને અંદરના દર્દી તરીકે 1300 જેટલા લોકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પડાય છે. આ હોસ્પિટલ ખાતે 100 જેટલા બેડ કાર્યરત છે જેમાં 89 બેડ ઉપર ઓક્સિજન કાર્યરત છે, હોસ્પિટલની વિવિધ સુવિધાઓમાં જનરલ મેડિસિન, સર્જરી, ઇમર્જન્સી વિભાગ, બાળ રોગની સેવા, તાજા જન્મેલા બાળકો માટેની સુવિધા, માનસિક રોગ, સ્ત્રી રોગની સુવિધા, ઇએનટી વિભાગ, યુરોલોજી વિભાગ, ઓર્થોપેડિક, આંખ વિભાગ, લેબોરેટરી, રેડિયોલોજી, પોસ્ટમોર્ટમ માટે એમ એલ સી સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સમયે ડોક્ટર પંડ્યાએ હોસ્પિટલને મળેલ અધ્યતન મશીન અંગે વિગતવાર તેનો ઉપયોગ, દર્દીઓને થતા ફાયદા, દર્દીઓને આર્થિક રીતે મળતા ફાયદા અંગે પ્રેઝન્ટેશન દ્વારા ધારાસભ્ય અને બેંકના અધિકારીઓને વિસ્તૃત સમજ આપી હતી. ધારાસભ્ય અને સિવિલ સર્જન દ્વારા બેંકના અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સમયે ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના રિજિયોનલ હેડ વૈભવ ભગત અન્ય અધિકારીઓ, જનરલ હોસ્પિટલ, આણંદના ડોક્ટર્સ અને લેબોરેટરી ખાતે ફરજ બતાવતા મહિલા કર્મીઓ હાજર રહ્યા હતા.




