ગોધરામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી: ‘સક્ષમ પ્રોજેક્ટ’ હેઠળ ૨૦૦ યુવાનોને રોજગારની તક મળી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: રાષ્ટ્રીય યુવા દિવસ ૨૦૨૬ના પાવન અવસર પર ગોધરાના સરદાર નગર ખંડ ખાતે વર્ટિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL) તથા પિપલ ટ્રી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં “સક્ષમ પ્રોજેક્ટ” અંતર્ગત તાલીમ પૂર્ણ કરનાર આશરે ૨૦૦ યુવાનોને પ્રમાણપત્ર અને નોકરીના ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રીમતી અર્પિતાબેન ચૌહાણ (એચઆર હેડ – GRICL), શ્રી આશિષ Thite (પ્રોજેક્ટ મેનેજર – GACL હાઇવે), શ્રી હિતેશ રાઠોડ (ડેપ્યુટી CSR મેનેજર – વર્ટિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ) અને શ્રી દેવેન્દ્ર શર્મા (પિપલ ટ્રી ફાઉન્ડેશન) દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટનું સંચાલન કરતી આ સંસ્થાઓ CSR પહેલ હેઠળ યુવાનોને આત્મનિર્ભર બનાવવા કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતભરમાં ૧૬૦૦ યુવાનોને તાલીમ આપી ૭૦ ટકા જેટલો રોજગાર દર હાંસલ કરનાર આ પ્રોજેક્ટ હાલ ગોધરા, વડોદરા અને મહેસાણા કેન્દ્રો પર જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ અને મલ્ટી સ્કિલ ટેકનિસિયન જેવા વિવિધ રોજગારલક્ષી કોર્સ ચલાવી રહ્યો છે. કાર્યક્રમના અંતે તાલીમબદ્ધ યુવાનોએ પોતાના સફળતાના અનુભવો રજૂ કરી અન્ય યુવાનોને પણ કૌશલ્ય વર્ધક તાલીમ મેળવવા પ્રેરણા આપી હતી.






