આણંદ – મુખ્ય રસ્તાઓ પર દબાણ કરનારા 22 વેપારીઓને 1.30 લાખનો દંડ ફટકારાયો

તાહિર મેમણ – આણંદ – 06/08/2025 – આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તાઓ પર દબાણ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પરથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.
નગરજનોને નડતરરૂપ ન થાય તે માટે મુખ્ય માર્ગો પર સામગ્રી ન મૂકવા માટે વારંવાર સૂચના આપવામાં આવી છે. આમ છતાં કેટલાક લોકો દ્વારા જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લા મૂકી દબાણ કરવામાં આવી રહ્યું છે.
જુલાઈ મહિના દરમિયાન મનપાના એસ્ટેટ વિભાગની ટીમે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત નડતરરૂપ સામગ્રી દૂર કરવામાં આવી અને દબાણ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. જુલાઈ માસમાં એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તાઓ પર નડતરરૂપ સામગ્રી મૂકવા બદલ 22 વેપારીઓને રૂપિયા 1.30 લાખની દંડની નોટિસ આપવામાં આવી છે.
મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર નગરજનોને અડચણરૂપ થાય તે રીતે દબાણો ન કરવા કે લારી-ગલ્લા ન મૂકવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીએ અપીલ કરી છે. જો આ સૂચનાનું પાલન નહીં થાય તો આવા લોકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.





