AHAVADANGGUJARAT

Dang:વઘઇ રેલવે સ્ટેશન ખાતે યોજાયો ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ: ૨૨૧ વૃક્ષોનું કરાયું.વાવેતર ;દસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ નિર્ધાર

વાત્સલ્યમ સમાચાર
ડાંગ
*ધરતી માં ને નવપલ્લવિત કરવા માટે એક વૃક્ષ વાવીને, માં નું ઋણ અદા કરવાની ‘માં કસમ’ લેવાનો અનુરોધ કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે* :

*’એક પેડ, માં કે નામ’ કાર્યક્રમના નામે વૃક્ષ વાવેતરનો રૂડો અવસર આપણે આંગણે આવ્યો છે* : શ્રી વિજયભાઈ પટેલ*

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇના  રેલવે સ્ટેશન ખાતે ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૨૨૧ વૃક્ષોનું કરાયું વાવેતર, દસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ નિર્ધાર કરાયો છે.ધરતી માં ને નવપલ્લવિત કરવા માટે એક એક વૃક્ષ વાવીને, માં નું ઋણ અદા કરવાનો રૂડો અવસર આપણે આંગણે આવ્યો છે ત્યારે, સૌએ ભાવનાત્મક  રીતે જોડાઈને, એક એક વૃક્ષ વાવવાની અને તેને ઉછેરવાની ‘માં કસમ’ લેવાનો અનુરોધ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે કર્યો છે.’એક પેડ, માં કે નામ’ કાર્યક્રમનો વઘઇ રેલવે સ્ટેશનેથી સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઈ પટેલે યુવા મંડળો, સિનિયર સિટીઝન, મહિલા મંડળો, વેપારી મહાજનો, જુદા જુદા એસોસિએશન, વિદ્યાર્થી ગ્રુપ સહિત દરેકે દરેક સમાજ અને તેના સભ્યો તથા નાગરીકો, જ્યાં જગ્યા મળે ત્યાં કમ સે કમ એક એક વૃક્ષનું વાવેતર કરે, તેવી અપીલ કરતા શ્રી પટેલે પડતર જગ્યાઓ, સાર્વજનિક સ્થળો ઉપર વૃક્ષો વાવી, આખા નગરની રોનક બદલવાનું આહવાન કર્યું હતું. વિજયભાઈ પટેલે કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલા પ્રજાજનો, વૃક્ષ-વરસાદ અને ઓક્સિજનની કિંમત ગત ઉનાળા અને તે પહેલાં કોરોનાકાળમાં સમજી ચુક્યા છે ત્યારે, જીવનમાં વૃક્ષોનું મહત્વ સ્વીકારી જન્મ દિવસ, મેરેજ એનિવર્ષરી જેવા શુભ પ્રસંગોને યાદગાર બનાવવાતા વૃક્ષો વાવવાની પરંપરા શરૂ કરે તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.

વન વિભાગ સહિત મનરેગા જેવા કાર્યક્રમોને સાંકળીને વૃક્ષ જતન અને સંવર્ધન કરવાનું આહવાન કરતા શ્રી પટેલે, વઘઇ રેલવે સ્ટેશને આવતી જતી હેરિટેજ ટ્રેનના પર્યટકોને, સ્થાનિક સાઈટ સીન માટે વાહન વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરવાની અપીલ કરતા, અહીં રહેલી તક ને ઝડપી સૌને સહિયારા પ્રયાસો સાથે વિકાસ સાધવાનું આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન કે જે સો વર્ષ ઉપરાંતથી આ વન વિસ્તારમાં આવાગમન કરી રહી છે. જેના ઘટેલા ટિકિટ ભાડાને કારણે, તેના મુસાફરોની સંખ્યા બમણી થવા પામી છે. ખાસ કરીને ચોમાસામાં ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો તેનો ભરપૂર લાભ ઉઠાવી પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. ત્યારે પર્યટકોને વઘઇ અને આસપાસના પર્યટન સ્થળો સુધી લાવવા લઈ જવાની સેવા, સુવિધા વધારવાની પણ શ્રી વિજયભાઈ પટેલે અપીલ કરી હતી.

પ્રકૃતિ અને વનરાજીથી લથબથ ડાંગ જિલ્લાની લીલીછમ્મ વનરાજીએ વર્ષાના આગમન સાથે, સમગ્ર પ્રકૃત્તિ અને સંસ્કૃતિને ફરીથી જીવંત કરી છે. ત્યારે પ્રજાજનોએ પણ હમેશા અહીંનું વન સતત વધતું રહે, અને અહીંની પ્રકૃત્તિ અને સંસ્કૃતિ સતત ધબકતી રહે તેવા પ્રયાસોની દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદે હિમાયત કરી હતી.

વન વિભાગ દ્વારા જરૂર પડ્યે રોપા, અને તકનિકી જાણકારી સાથે સતત પ્રજાજનોની માંગ મુજબ સહયોગ પૂરો પડાશે તેમ પણ શ્રી  રવિ પ્રસાદે આ વેળા વધુમાં ઉમેર્યું હતું.

વન વિભાગના પ્રયાસોમાં પ્રજાજનોની ભાગીદારી ખૂબ જરૂરી છે તેમ જણાવતા એ.સી.એફ. શ્રી સુરેશ મિણાએ, પ્રાસંગિક વક્તવ્ય રજુ કર્યું હતું. બોટાનિકલ ગાર્ડનના અધિક્ષક શ્રી નિલેશ પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન કરતા, તેનો ઉદ્દેશ સ્પષ્ટ કરી વન વિભાગનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.

કાર્યક્રમનું આયોજન કરતા શ્રી વઘઈ પરિસરીય પ્રવાસન વિકાસ સમિતિ, અને સ્થાનિક વન વિભાગ દ્વારા વઘઇ રેલવે સ્ટેશન પરિસરમાં કાર્યક્રમના શુભારંભ ટાણે ૨૨૧ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે ‘વન મહોત્સવ’ અંતર્ગત કુલ દસ લાખ રોપાઓના વિતરણ અને વાવેતરનો લક્ષ નિર્ધાર કરાયો છે તેમ શ્રી નિલેશ પંડ્યાએ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી દિનેશ ભોયે, સ્થાનિક આગેવાનો, કાર્યકરો, મંડળીના પ્રમુખ શ્રી બિપીનભાઈ રાજપૂત, તથા સભ્યો, વન વિન વિભાગના કર્મચારી/અધિકારીઓ, વઘઇના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી દિલીપ રબારી, રેલવે ઓથોરિટી-વાપીના ચીફ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર શ્રી રામચંદ્ર શર્મા, વધઈના સ્ટેશન માસ્ટર શ્રી અગ્રવાલ, નગરના ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!