આણંદ – મોગરી ખાતે 260 વિદ્યાર્થીઓ-શિક્ષકોને આગથી બચવા અને બચાવવાની તાલીમ અપાઈ

આણંદ – મોગરી ખાતે 260 વિદ્યાર્થીઓ-શિક્ષકોને આગથી બચવા અને બચાવવાની તાલીમ અપાઈ
તાહિર મેમણ – આણંદ – 11/01/2025 – આણંદ ફાયર બ્રિગેડ દ્વારા મોગરી સ્થિત કુમાર પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી અંગે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં શાળાના 260થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગથી બચવા અને બચાવવાની પ્રાથમિક પદ્ધતિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આણંદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશ ગોરના નેતૃત્વમાં ફાયર ફાઇટર્સ રઘુવીરસિંહ પઢિયાર અને હિમ્મત ભુરીયાએ વિદ્યાર્થીઓને આગ લાગવાના સંજોગોમાં લેવાના થતા પગલાં અને સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આગ બુઝાવવાની વિવિધ પદ્ધતિઓ અને બચાવ કામગીરીની ઝીણવટભરી સમજ આપી હતી.
આણંદ ફાયર બ્રિગેડ દ્વારા સમાજમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોમાં આવી તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની તાલીમથી લોકોમાં આગની દુર્ઘટનાઓ સામે સજ્જતા વધશે અને કટોકટીના સમયે યોગ્ય પગલાં લઈ શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




