Rajkot: જામકંડોરણામાં ૨૬મીએ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ

તા.૨૪/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કેમ્પમાં યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ વિહોણા દિવ્યાંગોના યુ.ડી.આઈ.ડી. કાર્ડ બનાવી અપાશે
Rajkot: દિવ્યાંગોને ઘરઆંગણે જ સાધન સહાય તેમજ સરકારી સેવાઓ લાભ મળી રહે તે હેતુથી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જ દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આગામી ૨૬મી ડિસેમ્બર ને ગુરુવારે જામકંડોરણા તાલુકામાં આવો જ કેમ્પ, જામકંડોરણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર (સરકારી હોસ્પિટલ), મામલતદાર ઓફિસ સામે, સવારે ૯.૩૦થી સાંજે પાંચ કલાક સુધી યોજવામાં આવશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પી.જી.વી.સી.એલ. કંપનીના ફંડ તેમજ એલિમ્કોના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારશ્રીની એ.ડી.પી.આઈ. યોજના હેઠળ, અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, દ્રષ્ટિથી ખામી કે સેરેબલ પાલસી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સાધન સહાયની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ કેમ્પમાં જામકંડોરણા તાલુકાના જ ઉપરોક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને હાજર રહેવા વિનંતી કરાઈ છે. ઉપરાંત જે દિવ્યાંગજન પાસે યુનિક ડિસેબીલીટી આઈ.ડી. કાર્ડ (UDID) નથી, તેમનું નિષ્ણાંત તબીબો દ્વારા એસેસમેન્ટ કરી યુ.ડી.આઈ.ડી.કાર્ડ બનાવી આપવામાં આવશે.
આ કેમ્પમાં સાધન સહાય મેળવવા આ મુજબના જરૂરી આધાર પુરાવાઓ સાથે લાવવાના રહેશે. ૧.દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ સર્ટીફિકેટની નકલ, ૨. ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવેલા યુ.ડી.આઈ.ડી. (UDID) કાર્ડની નકલ, ૩.વાર્ષિક આવક મર્યાદા રૂ.૨,૬૪,૦૦૦- સુધીનું પ્રમાણપત્રની નકલ, ૪. અરજદારના આધારકાર્ડ તેમજ રેશનકાર્ડની નકલ, ૬.અરજદારના પાસપોર્ટ સાઇઝ ફોટા-૦૨. જામકંડોરણા તાલુકાના જરૂરિયાતમંદ દિવ્યાંગોને આ કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.



