RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ૧,૮૮, ૫૫૭ બાળકોને અપાશે પોલિયો વિરોધી રસી

તા.૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી

૯૨૬ રસીકરણ બુથ, ૧૭૪૧ રસીકરણ ટીમો, ૨૩૦ મોબાઇલ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજજ

એક વાર રસી લીધી હોવા છતાં પાંચ વર્ષથી નીચેના બાળકોને રસી અપાવવી જરૂરી

Rajkot: વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠાં છે. વાયરસ, બેક્ટેરિયાથી ફેલાતા અનેક રોગ માનવજાતને સતત તેના અસ્તિત્વના પુરાવા સાથે માનવને નવા સંશોધન સાથે જીવનમાં આગળ વધતા શીખવે છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી તેને બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. આમ છતાં હજુ ઘણા નવા જન્મેલા બાળકોને સુરક્ષા આપવામાં માતા-પિતા સક્ષમ નથી, ત્યારે આ રોગોથી તેમને સુરક્ષિત રાખવાનું ઉમદા કાર્ય રાજય સરકારનો આરોગ્ય વિભાગ કરી રહ્યો છે.

જન્મતા જ બી.સી.જી.ની રસી થી લઈ નૂરબીબી, ઓરી,અછબડા, મગજના તાવ, ગંભીર લીલા ઝાડ અને ન્યુમોનિયાની રસી જેવા બાળકોના જીવના દુશ્મન આ તમામ રોગની રસી પણ સરકાર નિ:શુલ્ક પૂરી પાડે છે. ત્યારે આ રસીઓમાં પોલિયોની રસીની ઝુંબેશને કેમ ભૂલી શકાય?

આગામી ૦૮ ડિસેમ્બરના રોજ, “પોલિયો દિવસ” નિમિત્તે રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આપને થશે કે ભારતમાં હવે તો પોલિયો નાબૂદ થઈ ગયો છે તો રસીની શું જરૂર? પોલિયો શું છે? કયા કારણોથી થાય? શુ પુખ્ત વયના લોકોને થઈ શકે તે તમામ પ્રશ્નોના જવાબ મેળવીએ.

પોલિયો શું છે?

પોલિયો એ પોલિયો વાયરસથી થતો રોગ છે. મોટાભાગના લોકોમાં તેના કોઈ આગોતરા લક્ષણો જોવા મળતા નથી, પરંતુ કેટલાક લકવાગ્રસ્ત થઈ જાય છે. રસીઓ પહેલાં, હજારો લોકો આ રોગચાળો ફાટી નીકળતાં લકવાગ્રસ્ત થતાં હતા. આજે જંગલી પોલિયો વાયરસ પ્રકાર ૨ અને ૩ નાબૂદ થઈ ગયા છે, પરંતુ પ્રકાર ૧ હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં ફેલાય છે. પોલિયોને રોકવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પોલિયો રોગનો કોઈ ઈલાજ નથી.

પોલિયો થવાનું કારણ શું?

સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે.

પોલિયો માનવ શરીરને કેવી રીતે અસર કરે છે?

પોલિયો વાયરસ તમારા મોં કે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ગળા અને આંતરડામાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં, તે મગજ અને કરોડરજ્જુમાં પ્રવેશ કરે છે અને લકવાનું કારણ બને છે. લકવો હાથ, પગ અથવા શ્વાસને નિયંત્રિત કરતા સ્નાયુઓને અસર કરી શકે છે.

શું પુખ્ત વયના લોકોને પોલિયો થઈ શકે છે?

હા, પુખ્ત વયના લોકોને પોલિયો થઈ શકે છે. ઘણા પુખ્ત વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે, કારણ કે તેમને રસી આપવામાં આવેલ હોય છે અથવા તેમને પોલિયો થયો છે. પરંતુ જે પુખ્ત વયના લોકોને અગાઉ રસી આપવામાં આવી નથી તેઓ પોલિયો વાયરસના સંપર્કમાં આવે તો તેમને પોલિયો થઈ શકે છે.

ભારત પોલિયો નાબૂદ દેશ હોવા છતાં રસીકરણની શું જરૂર છે?

આજે પણ વિશ્વના કેટલાક ભાગોમાં પોલિયોના કેસ છે. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, ત્યારે પોલિયોને નાબૂદ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો હજુ પણ ચાલુ છે. આજે વિશ્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળ્યા છે. ત્યારે આપણા પાડોશી દેશોમાં તેના કેસ જોવા મળતા આપણે ગાફેલ રહેવુ ન પાલવે.

વિશ્વના ઘણા ભાગોમાં લક્ષણો સાથેનો પોલિયો હવે જોવા મળતો નથી, વિશ્વવ્યાપી રસીકરણ કાર્યક્રમોને કારણે મોટાભાગના દેશોમાં પોલિયો નાબૂદ માનવામાં આવે છે, સામાન્ય રીતે હવે તે વિસ્તારોમાં ફેલાતો નથી પરંતુ જ્યારે લોકો રસી લેવાનું બંધ કરે છે, ત્યારે પોલિયો ફરીથી ફેલાવાનું શરૂ કરી શકે છે. આ માટે સમયાંતરે પોલિયો ઝુંબેશ દ્વારા સમૂહ રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.

આગામી તા. ૦૮ ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે ૧,૮૮,૫૫૭ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે ભારત સરકારશ્રી દ્રારા તા. ૦૮ ડિસેમ્બર-૨૦ર૪ ના રોજ રાજકોટ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલીકા વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

રાજકોટ જિલ્‍લાના પાંચ વર્ષથી નીચેના ૧,૮૮,૫૫૭ બાળકોને રસી આપવા માટે ૯૨૬ રસીકરણ બુથ તથા ૧૭૪૧ રસીકરણ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્‍યેક ટીમમાં આરોગ્‍ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્‍વંયસેવકો મળીને કુલ ૩૫૧૦ ટીમના સભ્યો સમગ્ર કામગીરી કરશે. જેના અસરકારક સુપરવિઝન માટે ૧૮૭ સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરિયાળ વિસ્‍તાર, વાડી વિસ્‍તારમાં કામગીરી કરવા માટે ૨૩૦ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે ઉપરાંત, રેલ્‍વે સ્‍ટેશન, બસસ્‍ટેશન તથા મોટી સંખ્‍યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્‍યાઓ માટે ૪૬ ટ્રાન્‍ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

તા. ૦૮,ડીસેમ્બર ર૦ર૪ના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવી અને ત્‍યાં પોલિયો વિરોધી રસી આરોગ્‍ય ટીમ દ્રારા આપવામાં આવશે. તા. ૦૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ આરોગ્‍ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળકને રસી બાકી ન રહે તેની ખાત્રી કરશે તેમજ રસીકરણમાં બાળક બાકી હશે તો સ્‍થળ પર જ રસી આપશે. જે માટે ૧૭૪૧ રસીકરણ ટીમો બનાવવામાં આવી છે.

કામગીરીના અસરકારક અમલીકરણ માટે જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્‍લા કક્ષાની સ્‍ટીયરીંગ કમિટી બનાવવામાં આવી છે, જેના દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, મેડીકલ ઓફિસરશ્રી,તમામ પ્રા.આ.કે./ અર્બન આરોગ્ય કેંદ્રો, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર તમામને તાલીમ આપવામાં આવી છે. તાલુકા કક્ષાએ પણ કમિટી બનાવવામાં આવી છે. આ કામગીરી માટે જિલ્‍લાના વર્ગ-૧ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિમવામાં આવેલ છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્‍લાની આ કામગીરી મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો.પી.કે.સિંધ તેમજ આરોગ્‍ય વિભાગની ટીમ સંભાળી રહયા છે. આ અભિયાનમાં જોડાઈ રાજકોટ જિલ્લાના વાલીઓ તા.૦૮ ડિસેમ્બર-ર૦ર૪ ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા બુથ પર આવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

તમામ પ્રશ્નોના ઉત્તર સાથે આપનું બાળક જો સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ રસી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય રસી અપાવવા આવો. પોલિયો મુકત ભારતને વધુ મજબૂત ભારત બનાવો…

Back to top button
error: Content is protected !!