ગોધરા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ’ સંપન્ન: ૩૦ ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતીની તજજ્ઞતા

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ખેડૂત તાલીમ કેન્દ્ર, ગોધરા અને આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે ત્રિ-દિવસીય ‘યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના ત્રીજા અને અંતિમ દિવસે ગોધરા તાલુકાના પસંદ કરેલ ૩૦ જેટલા ઉત્સાહી યુવા ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ પદ્ધતિઓનું સઘન માર્ગદર્શન મેળવ્યું હતું.
તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક (તા.) શ્રી ભાવિન મહેતા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો— જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર જૈવ પાક વિવિધતા વિશે ઊંડાણપૂર્વક ટેકનિકલ સમજ પૂરી પાડી હતી. ખેડૂતો આગામી ઋતુથી જ આ પદ્ધતિ અપનાવી રાસાયણિક મુક્ત ખેતી કરે તે બાબતે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કૃષિમાં વધતા જતા ટેકનોલોજીના ઉપયોગ અંગે કૃષિ ઇજનેરી કોલેજ, ધોળાકુવા (ગોધરા) ના શ્રી કે.એલ.ડાભી દ્વારા “કૃષિમાં યાંત્રીકરણ” વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, નિવૃત વૈજ્ઞાનિક શ્રી કનુભાઇ પટેલ દ્વારા મકાઈના પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેની ચાવીરૂપ સમજ આપવામાં આવી હતી.
આ સમગ્ર તાલીમ વર્ગનું સુચારુ સંચાલન આત્મા પ્રોજેક્ટના ઇનચાર્જ બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રીમતી ક્લાવતીબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને સમજે અને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ખેતી તરફ પ્રયાણ કરે તેવો રહ્યો હતો. તાલીમના અંતે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.







