અંબાજી ખાતે સંસ્કૃત શાસ્ત્રોની પરંપરાને ઉજાગર કરતી ૩૪મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું સમાપન

18 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૭૦૦થી વધુ ઋષિકુમારો, ૧૫૦થી વધુ માર્ગદર્શકો, વિષય નિષ્ણાત નિર્ણાયકો, અધ્યાપકો તથા પ્રધાનાચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓનું કરાયું આયોજન.વિવિધ ૩૮ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સાથે સુવર્ણ, રજત અને કાંસ્ય પદક આપી કરાયા સન્માનિત
શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર પ્રથમ, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ દ્વિતીય અને શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.અંબાજી ખાતે સંસ્કૃત શાસ્ત્રોની જાળવણીની આગવી પરંપરાને ઉજાગર કરતી ૩૪મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરના અનુદાનથી તથા શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદના નેજા હેઠળ શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય, અંબાજીના યજમાન પદે કરાયું હતું. વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય તેમજ સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઊંડો રસ વિકસે તે હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં વ્યાકરણ, જ્યોતિષ સહિત શાસ્ત્રોના કુલ ૩૬ વિષયોમાં ભાષણ, શલાકા, કંઠપાઠ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ગુજરાતભરના સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ૭૦૦થી વધુ ઋષિકુમારો, ૧૫૦થી વધુ માર્ગદર્શકો, વિષય નિષ્ણાત નિર્ણાયકો, અધ્યાપકો તથા પ્રધાનાચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. પ્રથમ ત્રણ ક્રમે રહેલ સ્પર્ધાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે યોજાનાર શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધા દ્વારા સંસ્કૃત જેવી દેવભાષા અને ભારતીય સંસ્કૃતિ જન-જન સુધી પહોંચે છે. ગુરુ-શિષ્ય પરંપરા મુજબ ગુરૂકુલ પદ્ધતિથી અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા વેદ, પુરાણો અને શાસ્ત્રોની પરંપરાગત વિદ્યાનું સંરક્ષણ થાય છે. રાજ્ય સરકાર તથા વિશિષ્ટ મનોરથીઓના સહયોગથી દર વર્ષે યોજાતી આ સ્પર્ધાઓ સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે રાજરાજેશ્વરી અંબાજી માતાજીના ચાચર ચોકમાં રાષ્ટ્ર કલ્યાણ અર્થે સહસ્ર ચંડી યજ્ઞ તથા શ્રીયાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેદપાઠ અને સ્તુતિથી અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.
શાસ્ત્રીય સ્પર્ધાના સમાપન સમારોહમાં સત્રાધ્યક્ષ તરીકે અધિક કલેક્ટર અને વહીવટદારશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટશ્રી કૌશિકભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ૩૮ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સાથે સુવર્ણ, રજત અને કાંસ્ય પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ પદકો મેળવનાર શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, પોરબંદરને પ્રથમ, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદને દ્વિતીય અને શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીને વિજય વૈજયંતિ એનાયત કરવામાં આવી હતી. આગામી ૩૫મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા ગઢડા સ્વામીનારાયણ મંદિરના યજમાન પદે યોજાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.










