અંકલેશ્વર હાઇવે પર રોજ 5 કિમી ટ્રાફિકજામ, આમલાખાડીનો સાંકડો બ્રિજ નડતરરૂપ બન્યો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નેશનલ હાઇવે પર સપ્તાહમાં પાંચ દિવસ ટ્રાફિકજામ થઇ રહયો છે. હવે દિવાળીના તહેવારો આવી રહયાં છે ત્યારે નેશનલ હાઇવે પર રોજીંદા વાહનો કરતાં 10 ટકા વધારે વાહનોની અવરજવર રહેશે. હાલમાં અત્યારે નેશનલ હાઇવે પરથી રોજના સરેરાશ 35 હજાર વાહનો પસાર થાય છે તે વધીને 39 હજાર સુધી પહોંચી શકે છે. હાલમાં આમલાખાડી પાસેનો સાંકડો બ્રિજ ટ્રાફિક માટે નડતરરૂપ બની રહયો છે. અંકલેશ્વરથી સુરત તરફ જતી લેનમાં દરરોજ પાંચ કિમી ટ્રાફિકજામ થતો હોવાથી રોજના હજારો વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે.
દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ જતાં લોકોની સંખ્યા સૌથી વધારે હોય છે. દિવાળી જેમ જેમ નજીક આવશે તેમ તેમ ખાનગી અને એસટી બસોની સંખ્યા વધારવામાં આવશે તથા કાર સહિતના વાહનોમાં લોકો વતનની વાટ પકડશે. આવા સંજોગોમાં મુંબઇ– દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા જોવા મળશે. અંકલેશ્વરથી સુરત તરફ જતી લેનમાં રોજ 5 કિમી સુધી વાહનોની કતાર લાગે છે પણ દિવાળી આવતાં બંને લેનમાં વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનશે.




