
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ પશુ વિજ્ઞાન કેન્દ્ર તથા ડાંગ જિલ્લામાં કાર્યરત આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ટ્રસ્ટ દ્વારા ‘આધુનિક પશુપાલન સાથે મૂલ્યવર્ધન અને ઉદ્યમશીલતા’ વિષયક ત્રિદિવસીય આવાસીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું
પશુ વિજ્ઞાન કેન્દ્ર (પીવીકે),વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી દ્વારા “આધુનિક પશુપાલન સાથે મૂલ્યવર્ધન અને ઉદ્યમશીલતા” વિષય અંતર્ગત ત્રિદિવસીય આવાસીય તાલીમ કાર્યક્રમ તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, નવસારી ખાતે કરવામાં આવ્યો હતો.
આ તાલીમમાં વઘઈ, આહવા અને સુબીર તાલુકાના, ડાંગ જીલ્લાનાં કુલ ૫૦ પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આધુનિક પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી. આજના સમયગાળામાં પરંપરાગત પશુપાલન સાથે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, આધુનિક ટેક્નોલોજી, મૂલ્યવર્ધન અને ઉદ્યમશીલતાનો સમન્વય કરવો સમયની મહત્વની માંગ છે. પશુપાલન માત્ર આજીવિકાનું સાધન નહીં, પરંતુ આવકવર્ધન અને સ્વરોજગારનું મજબૂત માધ્યમ બની શકે, આ દિશામાં આ તાલીમ કાર્યક્રમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રકારે વિષેશ જ્ઞાન આપવામાં આવ્યું હતું. પશુપાલકોને કામધેનુ વિશ્વવિદ્યાલય હેઠળના પશુસંશોધન કેન્દ્ર, નવસારી ખાતે લઇ જઈ ટીટ ડીપ કપનાં ઉપયોગ કરવા માટે તથા વર્મીકમ્પોસ્ટ વિશે નિદર્શન (પ્રેક્ટિકલ ડેમો) પણ કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનાં હેતુથી પશુપાલકોને ચીકન-પીકલ (મરઘીના માંસનુ અથાણું) કેવી રીતે બનાવવું એ વિશે સમજણ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. પી. માઢવાતર, ડૉ. ઉત્સવ સુરતી અને સુનીલભાઈ કાપડી દ્વારા, ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે કિટનું (પશુપાલન વિષય આધારિત સાહિત્ય, ટીટ ડીપ કપ, અને બેગ) વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.





