૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫ વિથ ગુજરાત ટુરિઝમ : ‘કિલ’ને પાંચ એવોર્ડ, ‘લાપતા લેડીઝ’ ચાર એવોર્ડ સાથે તેજસ્વી, અમદાવાદમાં ૧૧ ઓક્ટોબરે ભવ્ય કાર્યક્રમનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ફિલ્મફેર દ્વારા ૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫ વિથ ગુજરાત ટુરિઝમના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓના નામ જાહેર કર્યા હતા.
ગુજરાત પ્રવાસન વિભાગ સાથે સહયોગમાં યોજાનાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સની ભવ્ય સમારોહ આગામી ૧૧ ઓક્ટોબરે અમદાવાદમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન મુખ્ય હોસ્ટ તરીકે મંચ સંચાલન કરશે, જ્યારે કરણ જોહર અને મનીષ પોલ સહ-સંચાલક તરીકે જોડાશે. રાત્રી દરમિયાન અક્ષય કુમાર, કૃતિ સેનન, અભિષેક બચ્ચન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા કલાકારોના ઝગમગતા પરફોર્મન્સ દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
ગુજરાત પ્રવાસન નિગમના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “આપણે ગર્વ અનુભવી રહ્યા છીએ કે ફિલ્મફેર એવોર્ડ્સનું ૭૦મું સંસ્કરણ ફરી એકવાર ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. રાજ્યના વૈવિધ્યસભર પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્મ ઉદ્યોગ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવા કાર્યક્રમો ગુજરાતને ફિલ્મ અને સાંસ્કૃતિક ઉત્સવોના હબ તરીકે સ્થપિત કરવામાં મદદરૂપ થશે.”
પ્રેસ કોન્ફરન્સમાં હોલ-ટાઇમ ડિરેક્ટર અને સીઈઓ તરુણ ગર્ગ, વર્લ્ડવાઇડ મીડિયા અને ZENL, BCCL TV & ડિજિટલ નેટવર્કના સીઈઓ રોહિત ગોપાકુમાર તથા ફિલ્મફેરના એડિટર-ઈન-ચીફ જીતેશ પિલ્લાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રોહિત ગોપાકુમારે જણાવ્યું હતું કે, “છેલ્લા સાત દાયકાથી ફિલ્મફેર ભારતીય સિનેમાના ઉત્કૃષ્ટ ક્ષણોનો સાક્ષી રહ્યું છે. આ એવોર્ડ્સ માત્ર વિજેતાઓનો ઉત્સવ નથી, પરંતુ તે દરેક સર્જક અને કલાકારને સમર્પિત છે, જેઓ પોતાના કૌશલ્યથી સિનેમાને જીવંત બનાવે છે.”
જીતેશ પિલ્લાઈએ કહ્યું કે, “ફિલ્મફેર હંમેશાં ભારતીય સિનેમાના વિકાસ સાથે જોડાયેલ રહ્યું છે. તેની સફર વાર્તાઓ, ભાવનાઓ અને પરિવર્તનનું પ્રતિબિંબ છે. આ વર્ષની નામાંકિત ફિલ્મો ભારતીય સિનેમાની વૈવિધ્યતા અને નવીનતાનો પ્રતિનિધિત્વ કરે છે.”
અભિનેતા રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, “ફિલ્મફેર એવોર્ડ્સ દરેક કલાકાર માટે સપનું છે. આ બ્લેક લેડી મેળવવાનો આનંદ દરેક વખતે નવી ઉર્જા આપે છે.” અભિનેત્રી તમન્ના ભાટિયાએ ઉમેર્યું હતું કે, “ફિલ્મફેર એવોર્ડ્સનો ૭૦મો સંસ્કરણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભારતીય સિનેમાની સફરનો ઉજવણી છે.”
આ વર્ષની ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીમાં ‘કિલ’ ફિલ્મે સૌથી વધુ પાંચ એવોર્ડ્સ જીત્યા છે, જ્યારે ‘લાપતા લેડીઝ’એ ચાર એવોર્ડ્સ સાથે ઉત્તમ સફળતા હાંસલ કરી છે. ‘મુંજ્યા’ અને ‘આર્ટિકલ ૩૭૦’ જેવી ફિલ્મોએ પણ મહત્વપૂર્ણ કેટેગરીઝમાં સ્થાન મેળવ્યું છે.
ટેક્નિકલ કેટેગરીમાં રમ સંપથને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એવોર્ડ મળ્યો, રફે મહમૂદને ‘કિલ’ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફી, મયુર શર્માને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, અને દર્શન જાલાનને બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ મળ્યો. સુભાષ સાહૂએ બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન, શિવકુમાર વી. પાનિકરે બેસ્ટ એડિટિંગ, તથા સેયોંગ ઓ અને પરવેઝ શેખને બેસ્ટ એક્શન એવોર્ડ જીત્યો.
રાઇટિંગ કેટેગરીમાં આદિત્ય ધર અને મોનલ ઠાકરે ‘આર્ટિકલ ૩૭૦’ માટે બેસ્ટ સ્ટોરી એવોર્ડ જીત્યો, જ્યારે સ્નેહા દેસાઈએ ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડાયલોગ બંને એવોર્ડ્સ મેળવ્યા. ઋતેશ શાહને ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે એવોર્ડ મળ્યો.
ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનાર આ એવોર્ડ સમારોહ ફિલ્મપ્રેમીઓ માટે ગ્લેમર, સંગીત અને સિનેમાના ઉત્સવ જેવી અનોખી રાત સાબિત થવાની છે. ટિકિટો ડિસ્ટ્રિક્ટ એપ પર ઉપલબ્ધ છે.
ફિલ્મફેરના અધિકૃત વેબસાઇટ filmfare.com પર એવોર્ડ્સ સંબંધિત તમામ નવીનતમ માહિતી ઉપલબ્ધ રહેશે.