BHARUCHGUJARATJHAGADIYA

નાઈટ્રેક્સ બ્લાસ્ટ: MLA અને ભાજપ પ્રમુખની રજૂઆત બાદ 60 લાખ સહાયની જાહેરાત

ધારાસભ્ય રિતેશ વસાવા અને ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની રજૂઆત બાદ મૃતક કર્મચારીના પરિવારને ₹60 લાખની સહાય જાહેર.

 

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઈટ્રેક્સ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં એક કર્મચારીનું ગંભીર ઈજાઓને પગલે મોત નિપજ્યું છે, જ્યારે એક અન્ય કર્મચારી ઘાયલ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

 

મળતી માહિતી મુજબ, મૃતક કર્મચારી દિનેશ વસાવા, રહેવાસી મોટા સાંજા, ડ્યૂટી દરમિયાન અચાનક થયેલા બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને બચાવવા તમામ પ્રયાસો છતાં તેમની સારવાર દરમિયાન મોત થયું. ઝઘડિયા GIDC પોલીસે આ ઘટનાની સંદર્ભે કાયદેસર તપાસ શરૂ કરી છે.

 

ઘટના બાદ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. અહીં તેમણે કંપની સત્તાધીશો સાથે ચર્ચા કરી પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી.

 

ધારદાર રજૂઆત બાદ, કંપની દ્વારા મૃતક કર્મચારીના પરિવારને ₹60 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, મૃતકના દીકરાને કંપનીમાં કાયમી નોકરી આપવાની બાહેધરી પણ કંપની વ્યવસ્થાપન દ્વારા આપવામાં આવી છે.

 

ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ સરપંચો સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

 

આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. પોલીસ તપાસના પરિણામો સામે આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!