છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના મુખ્ય બજારમાં આજે નગરપાલિકાનું ‘દાદા’નુ બુલડોઝર ગર્જના સાથે પ્રવેશ્યું. બોડેલી નગરપાલિકા દ્વારા 60 વર્ષથી વધુ જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાંબા સમયથી બજારમાં ઉભેલા કેબીનો અને દુકાનો તોડી દબાણ હટાવવામાં આવ્યા હતા, જેને લઇ શહેરમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળ્યો.બોડેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી માટે આજે સવારથી જ બજાર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ASP સહિત ત્રણ PI અને મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. 60 વર્ષથી વધુ સમયથી આવેલા અનેક કેબીનો બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષા કારણોસર એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ ની ટિમ પણ તૈનાત રાખવામાં આવી હતી.આ કાર્યવાહીમાં ખાસ કરીને 1947ના ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી વિસ્થાપિત થઈ આવેલા સિંધી સમાજના નિરાશ્રિતોને સરકારે ફાળવી આપેલા કેબીનો પણ તોડી પાડવામાં આવ્યા હોવાના આરોપો ઉઠ્યા છે.કેબીન ધારકોનો આરોપ છે કે દુકાનો હટાવવાની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની સરકારની લેખિત સુચના હોવા છતાં અધિકારીઓએ કોઈ વાત સાંભળ્યા વગર સીધી કાર્યવાહી કરી દીધી, જેને કારણે અસરગ્રસ્તોમા ભારે રોષ જોવા મળ્યો હતો.