અમદાવાદમાં ગુજરાત ગણિત મંડળનું ૬૨મું ત્રિ-દિવસિય વાર્ષિક અધિવેશન સંપન્ન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાત ગણિત મંડળનું ૬૨મું ત્રિ-દિવસિય વાર્ષિક ગણિત અધિવેશન તારીખ ૨૬, ૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન સફળતાપૂર્વક યોજાયું હતું. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી ગણિત શિક્ષકો, પ્રોફેસરો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને ગણિતપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગણિત મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૩માં તે સમયના ગુજરાતના એકમાત્ર પી.એચ.ડી. ધારક ગણિતજ્ઞ પ્રો. પી.સી. વૈધ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા છ દાયકાથી વધુ સમયથી મંડળ ગુજરાતના ગામડાંથી લઈને શહેરો સુધી શાળા, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે ગણિતના અધિવેશન, સેમિનાર, વર્કશોપ અને વિવિધ ગાણિતિક પ્રવૃત્તિઓ દ્વારા ગણિત વિષયના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત છે.
આ વર્ષે યોજાયેલા અધિવેશન દરમિયાન કુલ ૧૭ મુખ્ય વ્યાખ્યાનો યોજાયા હતા, જેમાં વૈદિક ગણિત, નવી શિક્ષણ નીતિ (NEP 2020), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગણિતમાં ભારતનું યોગદાન, ગણિત સમાચાર, પ્રશ્નસંધ્યા અને વિવિધ ગણિતીય સ્પર્ધાઓ જેવા આધુનિક તથા પરંપરાગત વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શાળા અને કોલેજ વિભાગ માટે રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ, મિરર મેજિક સ્ક્વેર, મેજિક ઓફ ડાઇસ, મૅપ થિયરી, ડિટર્મિનન્ટ્સ તેમજ “ગ્રાફથી ગૂગલ સુધીની સફર” જેવા વિષયો પર કુલ ૨૦ વિશેષ વ્યાખ્યાનો યોજાયા હતા.
આ અધિવેશન દરમિયાન યોજાયેલી પ્રદર્શન શ્રેણીમાં વિવિધ ગણિતીય મોડેલ્સ, પ્રયોગો અને નવીન શૈક્ષણિક સાધનો રજૂ કરવામાં આવ્યા હતા, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભાગ લેનારોએ ગણિતને સરળ, રસપ્રદ અને વ્યવહારુ રીતે સમજાવવાની નવી પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી.
અધિવેશનનું ઉદ્ઘાટન રાજ્યના પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગણિત વિષયને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ન રાખી જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અધિવેશન દરમિયાન રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે છેલ્લા બે વર્ષમાં ગણિત વિષયમાં પી.એચ.ડી. પૂર્ણ કરનારા ૨૫થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંડળના ૬૩ વર્ષના ઈતિહાસ દરમિયાન સેવા આપનાર ૧૫થી વધુ પૂર્વ પ્રમુખોનું ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અને ગુજરાત ગણિત મંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ ચાલેલા આ અધિવેશન દરમિયાન ગણિતક્ષેત્રની તાજેતરની સિદ્ધિઓ, સંશોધન પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક નવીનતાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ રહી કે આ અધિવેશનમાં ૧૨ વર્ષના વિદ્યાર્થીઓથી લઈને ૮૨ વર્ષના પ્રોફેસરો સુધીના વ્યાખ્યાતાઓએ પોતાનો અનુભવ અને જ્ઞાન સહભાગી કર્યું, જેના કારણે અધિવેશનમાં પેઢીદર પેઢી ગણિતનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
આ અધિવેશન દ્વારા ગુજરાતમાં ગણિત શિક્ષણને વધુ મજબૂત બનાવવા અને યુવાપેઢીમાં ગણિત પ્રત્યે રસ જગાડવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવામાં આવ્યું હોવાનું શિક્ષણજગતમાં પ્રશંસનીય પ્રતિસાદ જોવા મળ્યો હતો.







