BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા:63 વર્ષના શિક્ષકે 13 વર્ષની સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો

સમીર પટેલ, ભરૂચ

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માનવતા અને શિક્ષણ જગતને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક 63 વર્ષીય નરાધમ શિક્ષકે પોતાની જ 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. એક્સ્ટ્રા ટ્યુશનના બહાને બોલાવી આચરવામાં આવેલા આ દુષ્કર્મને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સગીરાના પરિવારની પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી છે.

દર રવિવારે એક્સ્ટ્રા ટ્યુશન લેવાના બહાને સગીરાને એકલી બોલાવતો
અંકલેશ્વર શહેરમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા ધનંજયસિંગ રાજપૂત નામના 63 વર્ષીય શિક્ષકે પવિત્ર વ્યવસાયને કલંકિત કર્યો છે. આરોપી શિક્ષક તેની પાસે અભ્યાસ માટે આવતી 13 વર્ષની સગીરાને દર રવિવારે એક્સ્ટ્રા ટ્યુશન લેવાના બહાને એકલી બોલાવતો હતો. આ એકાંતનો લાભ ઉઠાવી નરાધમ શિક્ષકે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો
ડર અને સંકોચના કારણે સગીરાએ આ વાત કોઈને જણાવી ન હતી. પરંતુ જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે આ પાપી કૃત્યનો પર્દાફાશ થયો હતો. વિદ્યાર્થિનીના શરીરમાં ફેરફાર અને તબિયત લથડતા પરિવારજનોને શંકા ગઈ હતી. તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવારની પોલીસ ફરિયાદ બાદ આરોપીની અટકાયત
બનાવની ગંભીરતાને જોતા પરિવારજનોએ તાત્કાલિક અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકમાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સહેજ પણ વિલંબ કર્યા વગર એક્શન મોડમાં આવી આરોપી ધનંજયસિંગ રાજપૂતની અટકાયત કરી લીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ કેસને વધુ મજબૂત બનાવી આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!