વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
તાજેતરમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવવાથી તેમજ ડેમો ઓવરફ્લો થવાથી ભારે પાણીના પ્રવાહને કારણે પંચાયત વિભાગના અનેક રસ્તાઓ તેમજ નાળા/પુલો ઉપરથી પાણી વહી રહ્યા છે. આજરોજ પંચાયત વિભાગના ૬૪ જેટલા રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.
વિગતવાર જોઇએ તો, પંચાયત વિભાગના નવસારી તાલુકાના ૦૯ રસ્તાઓ, જલાલપોર તાલુકાના ૦૧, ગણદેવી તાલુકાના ૧૭, ચિખલી તાલુકાના ૧૫, ખેરગામ તાલુકાના ૦૩ અને વાંસદા તાલુકાના ૧૯ રસ્તાઓ મળી જિલ્લાના કુલ-૬૪ માર્ગો બંધ થયા છે.
આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.