આણંદમાં 70 ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે:19.47 કરોડન મંજુર
આણંદમાં 70 ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે:19.47 કરોડન મંજુર
તાહિર મેમણ – આણંદ – 16/05/2025 – આણંદ જિલ્લામાં જર્જરિત અને મરામત ન થઈ શકે તેવા 70 ગ્રામ પંચાયત મકાનોના સ્થાને નવા ભવનો બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે 19.47 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વસ્તીના આધારે ગ્રામ પંચાયતોને અલગ-અલગ રકમ ફાળવવામાં આવી છે. 52 ગ્રામ પંચાયતોને 25 લાખ રૂપિયા, 14 ગ્રામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા અને 4 ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
25 લાખની ગ્રાન્ટ મેળવનાર ગામોમાં આણંદ તાલુકાના રાવડાપુરા, અજુપુરા, ખાંધલી સહિતના ગામો, બોરસદ તાલુકાના ઢુંઢાકુવા, કંસારી, ઊનેલી જેવા ગામો અને તારાપુર તાલુકાના બુધેજ, ચાંગડા, ગોરાડ વગેરે ગામોનો સમાવેશ થાય છે.
34.83 લાખની ગ્રાન્ટ મેળવનાર ગામોમાં આણંદ તાલુકાના જોળ, ખંભોળજ, બોરસદ તાલુકાના સૈજપુર, વાસણા અને અન્ય ગામોનો સમાવેશ થાય છે. જ્યારે 40 લાખની મહત્તમ ગ્રાન્ટ આણંદ તાલુકાના હાડગુડ અને બોરસદ તાલુકાના નાપા વાટા, દાવોલ અને દહેવાણ ગામને મળશે.