મહીસાગર જિલ્લામાં બાયોગેસ થકી ગ્રામીણ ઉર્જા ક્રાંતિ ગોબરધન યોજના હેઠળ ૪૯ ગામોના ૭૬૩ પશુપાલકો રાંધણ ગેસ મામલે બન્યા આત્મનિર્ભર

મહીસાગર જિલ્લામાં બાયોગેસ થકી ગ્રામીણ ઉર્જા ક્રાંતિ ગોબરધન યોજના હેઠળ ૪૯ ગામોના ૭૬૩ પશુપાલકો રાંધણ ગેસ મામલે બન્યા આત્મનિર્ભર
*****
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
માત્ર પાંચ હજારના નજીવા ફાળે બાયોગેસ પ્લાન્ટની ભેટ રાંધણ ગેસના ખર્ચમાંથી મુક્તિ સાથે મહીસાગરના ખેડૂતોને મળી રહ્યું છે ઉત્તમ કુદરતી ખાતર
****

રતનકૂવા ગામના ભાવનાબેન પટેલ માટે ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ ઘરઆંગણે જ બાયોગેસ પ્લાન્ટથી રાંધણ ગેસના ખર્ચમાંથી કાયમી મુક્તિ મળતા રાજ્ય સરકારનો માન્યો આભાર
****
ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા અમલમાં મૂકાયેલ ‘નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ’ હેઠળ મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ઉર્જાના નવા સ્ત્રોતો ઊભા કરવાની દિશામાં નોંધપાત્ર સફળતા મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના ૪૯ ગામોમાં કુલ ૭૬૩ લાભાર્થીઓને ડેરી મારફત બાયોગેસ પ્લાન્ટની સુવિધા પુરી પાડવામાં આવી છે. અમૂલ ડેરી આણંદ અને પંચામૃત ડેરી ગોધરા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના સહયોગથી આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના ૧૦૦% ફાળા સાથે કાર્યરત ‘નિર્મળ ગુજરાત 2.0’ અંતર્ગત ‘ગોબરધન યોજના’ હેઠળ રાજ્ય સરકારે જિલ્લાની સહકારી ડેરીઓને અમલીકરણની જવાબદારી સોંપી છે. આ યોજના અંતર્ગત અમૂલ ડેરી દ્વારા વીરપુર તાલુકા રતનકૂવા ગામમાં જ ૩૪ જેટલા બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક સ્થાપવામાં આવ્યા છે, જે ગ્રામીણ સ્તરે ઉર્જા સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે લાભાર્થી ખેડૂતે માત્ર ૫,૦૦૦ રૂપિયાનો ફાળો ભરીને સરકાર દ્વારા પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. આ પ્લાન્ટ દ્વારા પશુપાલકોને રાંધણ ગેસના ખર્ચની સીધી બચત થાય છે અને આર્થિક લાભ થાય છે. સાથોસાથ, બાયોગેસમાંથી નીકળતી ‘સ્લરી’ ઉત્તમ કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લેવાતી હોવાથી ખેતીમાં રાસાયણિક ખાતરનો મોંઘો ખર્ચ પણ ઘટ્યો છે.
રતનકૂવા ગામના જાગૃત પશુપાલક અને આ યોજનાના લાભાર્થી શ્રીમતી ભાવનાબેન પટેલ પોતાનો હર્ષ વ્યક્ત કરતા જણાવે છે કે, “અમારા ઘરમાં છેલ્લા એક વર્ષથી બાયોગેસ પ્લાન્ટ લગાવેલો છે. અમારા ઘરે જે પશુપાલન છે તેના ગોબરનો ઉપયોગ અમે આ પ્લાન્ટમાં કરીએ છીએ અને તેમાંથી ગેસ બને છે. અમારા ઘરનું બે ટાઈમ જમવાનું બનાવવાનું અને પાણી ગરમ કરવા સહિતનું તમામ રાંધવાનું કામ આ ગેસ પર જ થાય છે. હવે અમારે સિલિન્ડર ગેસની કોઈ જ જરૂર પડતી નથી કે બજારમાં ગેસ લેવા જવું પડતું નથી. અમને ઘરઆંગણે જ ખૂબ સારી રીતે આ ગેસ મળી રહે છે, તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું.”
વહીવટી તંત્ર અને ડેરીના સહયોગથી મહીસાગર જીલ્લામાં 200 નવા લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ યોજના માત્ર ગ્રામીણ અર્થતંત્રને મજબૂત નથી કરી રહી, પરંતુ પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અભિયાનમાં પણ પાયાનો પથ્થર સાબિત થઈ રહી છે.




