GUJARATNAVSARI

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ૭૭૬ નાગરિકોને સ્થળાંતરિત કરાયા

*સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી*

નવસારી,તા.26: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

આજરોજ ગણદેવી તાલુકાના બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-૭૭૬ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે.

અત્રે નોંધનિય છે કે, ગણદેવી તાલુકાના ઉંડાચ વા.ફ., દેવધા, તોરણગામ, ઉંડાચ લુ.ફ., ભાઠા, બીલીમોરા નગર પાલીકા, તલીયારા, સરીખુર્દ, વાધરેચ, અને ગણદેવી નગરપાલિકાના કુલ-૭૭૬ સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જેમાંથી ૧૯૫ નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર અને અન્ય નાગરિકો પોતાના સગાસંબંધિ તથા અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.  આ આશ્ર્યસ્થાન ઉપર નાગરિકો માટે અંદાજીત ફુડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, જલારામ માનવ સેવા ટ્રસ્ટ-બીલીમોરા, ગણદેવી નગરપાલીકા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!