વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, શુક્રવાર : ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન વ્યવસાયના વિકાસ અર્થે અમલીકૃત વિવિધ વ્યક્તિલક્ષી તેમજ સંસ્થાલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) તા. ૧૫ જુલાઇ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.સહાય યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા પશુપાલકો આ સમયગાળામાં પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે પાવર ડ્રિવન ચાફ કટરની ખરીદી, કેટલ શેડ બાંધકામ, બકરા એકમ ( ૧૦ બકરી + ૧ બકરો), ગાભણ પશુઓ તેમજ વિયાએલ પશુઓ માટે ખાણદાણ, બાર તેમજ પચાસ દૂધાળા પશુ એકમની સ્થાપના, વ્યાજ સહાયની યોજના, દૂધ મંડળીઓ માટે દૂધઘર તેમજ ગોડાઉન બાંધકામ, મરઘાં પાલનની યોજનાઓ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી શુદ્ધ ઓલાદની વાછરડી માટે સહાય વગેરે પૈકી પોતાને અનુકુળ એવી એક કે વધુ યોજનાઓ હેઠળ ઓનલાઇન અરજીઓ કરી શકે છે. હાલ પોર્ટલ પર અલગ અલગ કેટેગરીની કુલ ૨૮ યોજનાઓ માટે અરજીઓ કરવાનું ચાલુ છે. તે સાથે પશુપાલકોની જાણકારી માટે યોજનાની ટૂંકી માહિતી, શરતો અને બોલીઓ, સહાયનું ધોરણ વગેરેની વિગતો પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ માટે અરજદારે અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઇ, પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી, જરૂરી આધારો સાથે પોતાની અરજી નજીકના સરકારી પશુ દવાખાના કે પશુ સારવાર સંસ્થા ખાતે મોકલવાની રહેશે.નિયત સમયમર્યાદા દરમિયાન જો કોઇ યોજનાના ચાલુ વર્ષ માટેના નિયત ભૌતિક કે નાણાંકીય લક્ષ્યાંક કરતા ઓછી સંખ્યામાં અરજીઓ થઈ હશે તો તેવી યોજનાઓ પુરતું પોર્ટલ વધુ સમય માટે ખુલ્લું રાખવામાં આવી શકે છે. જે અંગેની માહિતી પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે. તે જ રીતે જે યોજનાઓ હેઠળ તેનાં નિયત લક્ષ્યાંકો કરતાં વધુ સંખ્યામાં અરજીઓ થાય ત્યારે પોર્ટલ પર યોજનાવાર અલગ અલગ ઓનલાઇન ડ્રૉ મારફતે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરી લાભાર્થીઓ નક્કી કરવામાં આવશે.આ માટે વધુ માર્ગદર્શનની જરૂર પડે તો નજીકના પશુ દવાખાના/પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના જૂથ મથક કે ઉપ કેન્દ્રનો સંપર્ક કરી પશુપાલન ખાતાની સહાય યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે કચ્છના સર્વે પશુપાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રી એચ.કે.ઠક્કર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.