
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રાજ્ય મંત્રી વ પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના હસ્તે કરાયુ ધ્વજવંદન :*
*પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગિદારી નોંધાવવા માટે સૌને કરાયુ આહ્વાન *
*જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનું પણ કરાયુ અભિવાદન :*
*રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ, અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઇ રજુઆત :*
રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આહવાના ફલક પર લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ રાજ્ય કક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઇ ગામીતે, તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશિષ પાઠવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ભારતવર્ષનું ગૌરવગાન કરતા કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે. તેનો શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર અને બંધારણ-સભાના સૌ સભ્યોએ ભારતને એક એવું બંધારણ આપ્યું, જેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યોનું જતન કરતું આ બંધારણ આપણને સૌને માર્ગદર્શન આપે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત – ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ” ના ધ્યેયમંત્ર સાથે ભારત વિશ્વના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત’ એ પણ વિકસિત ભારત-૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે, તેમ ગુજરાતના વિકાસની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ભારતના ગ્રોથ એન્જિન તરીકે વિખ્યાત ગુજરાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. તો સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર ખાતે ‘ભારત-પર્વ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભારતીય રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક સમાન ગીત ‘વંદે માતરમ’ ને દોઢસો વર્ષ પૂર્ણ થતાં, આ ઐતિહાસિક અવસરની સમગ્ર ગુજરાતમાં જનભાગીદારથી ઉજવણી કરવામાં આવી હતી. જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી. તેમજ ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત રાજ્યમાં ૫ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કરવામાં આવ્યા. જેમાં પંચાયત ભવનો, સ્માર્ટ શાળાઓ અને નવી આયુર્વેદિક હોસ્પિટલો જેવી પાયાની સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી છે તેમ મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું.
વર્ષ-૨૦૦૩માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું બીજ રોપ્યું હતું, તે આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે. વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં હવે ‘લોકલ’નો આયામ ઉમેરાયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેનું પ્રદેશ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમ પણ મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું.






