
મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદના સર્વેની કામગીરી ૮૫% પૂર્ણ
***
અમીન કોઠારી મહીસાગર…
મહિસાગરમાં ૩૮૩ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે; ટૂંક સમયમાં રિપોર્ટ સરકારમાં રજૂ થશે – ખેતીવાડી અધિકારી
***
મહિસાગર જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની આકારણી માટે ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની ટીમો અસરગ્રસ્ત ગામોમાં ફરીને પાકને થયેલા નુકસાનનો તાગ મેળવી રહી છે.
આ અંગે માહિતી આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જગદીશ પટેલે જણાવ્યું હતું કે, “મહિસાગર જિલ્લામાં ડાંગરનો વિસ્તાર વધુ હોવાથી, ડાંગરના ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પ્રાથમિકતાના ધોરણે સર્વે હાથ ધરાયો છે.
શ્રી પટેલે સર્વેની વિગતો આપતા જણાવ્યું કે, “જિલ્લા કક્ષાએથી કુલ ૩૮૩ જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દરેક અસરગ્રસ્ત ગામોમાં જઈને ખરેખર નુકસાન પામેલા દરેક ખેડૂતની માહિતી એકત્રિત કરી રહી છે, જેથી કોઈ પણ અસરગ્રસ્ત બાકી ન રહી જાય.” તેમણે ઉમેર્યું હતું કે, મોટાભાગના ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ૮૦% થી ૮૫% જેટલો સર્વે પૂર્ણ થયેલ છે, જ્યારે બાકીની કામગીરી આજે પૂર્ણ કરી દેવામાં આવશે.
ટૂંક સમયમાં આ સંપૂર્ણ સર્વે રિપોર્ટ રાજ્ય સરકારશ્રીમાં રજૂ કરવામાં આવશે, જેના આધારે અસરગ્રસ્ત ખેડૂતોને નિયમોનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી ઝડપથી શરૂ થઈ શકશે.
				



