અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીપરિવારો માટે ₹૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડનું અત્યાધુનિક ‘રેનબસેરા’ તૈયાર, માનવતાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. અત્યાર સુધી દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે પૂરતી સુવિધા ન હોવાને કારણે તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર મોંઘી હોટલોમાં રહેવું પડતું અથવા હોસ્પિટલ નજીક ફૂટપાથ પર રાત પસાર કરવાની ફરજ પડતી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ₹૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડની ક્ષમતા ધરાવતું આધુનિક ‘રેનબસેરા’ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધા દર્દીઓના સગા-સંબંધીઓને સુરક્ષિત, સ્વચ્છ અને સસ્તું રહેઠાણ પૂરૂં પાડશે.
આ અત્યાધુનિક ભવનમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૮ માળનો સમાવેશ થાય છે, જેનું કુલ બાંધકામ ક્ષેત્રફળ અંદાજે ૨૪,૪૩૬ ચોરસ મીટર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૮૦ લોકો બેસી શકે તેવી વિશાળ કેન્ટીન, આધુનિક રસોડું, ટીવી રૂમ, રિસેપ્શન, બેંક ATM અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ માટે દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, પૂરતા શૌચાલય, સુરક્ષિત લોકર સુવિધા તેમજ આરામદાયક રહેવાની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, ટ્રાફિક સમસ્યા ટાળવા માટે બેઝમેન્ટમાં ૫૮ ચારચક્રી અને ૯૧ બે-ચક્રી વાહનો માટે પાર્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે લાખો દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે. આ નવી સુવિધા શરૂ થતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટા પ્રમાણમાં રાહત મળશે. હોસ્પિટલના કોરિડોર અને ગેલેરીમાં થતી ભીડમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે, જેના પરિણામે સ્વચ્છતા અને વ્યવસ્થામાં સુધારો થશે.
આ પ્રોજેક્ટ આરોગ્ય સેવાઓમાં માનવતાવાદી અભિગમને મજબૂત બનાવે છે અને દર્દીપરિવારોને સન્માનજનક જીવન જીવવાની તક આપે છે. રાજ્ય સરકારની આ પહેલ આરોગ્ય ક્ષેત્રમાં સુવિધાઓના વિસ્તરણ સાથે સાથે સામાજિક સંવેદનશીલતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ ઉપરાંત, આવનારા સમયમાં આવી જ સુવિધાઓ અન્ય મોટા હોસ્પિટલ કેમ્પસમાં પણ વિકસાવવાની યોજના પર વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જેથી વધુમાં વધુ નાગરિકોને તેનો લાભ મળી શકે.








